કચ્છની સંસ્કૃતિનો વારસો જાળવવા આ બાએ ૮૫ વર્ષની ઉંમરે શરૂ કરી યૂટ્યુબ ચેનલ!

18 January, 2022 08:30 PM IST  |  Bhuj | Karan Negandhi

તલવાર બાજીનો પણ છે શોખ

હેમલતાબેન ગઢવી

અંગ્રેજીમાં કહેવત છે કે ‘Age is just a number’ (ઉંમર તો માત્ર એક આંકડો છે) આ વાતને કચ્છના ૮૫ વર્ષના બાએ સિદ્ધ કરી છે. સંસ્કૃતિ પ્રેમી આ બાએ લોકગીતો અને ભજનો આગામી પેઢી સુધી પહોંચે અને કાયમ ટકી રહે તે હેતુ સાથે યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. આ વાત છે ભુજના હેમલતાબેન ગઢવીની, જેમણે પોતાના સ્વરમાં ભજનો અને લોકગીતો પ્રોફેશનલી રેકોર્ડ કરી યુટ્યુબ પર મૂકવાની શરૂઆત કરી છે.

સૌપ્રથમ તો તેમની ગાયકીનો એક નમૂનો જુઓ.

યુવાનોને પણ શરમાવે તેવા આત્મવિશ્વાસ સાથે પોતાની કૃતિ રજૂ કરનારા હેમલતાબેન સાથે જ્યારે આ સંદર્ભે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે “બાળપણમાં શિક્ષણની તક ન મળી પરંતુ, બાપુજી પાસેથી વારસામાં આ સંસ્કૃતિનો વારસો મને મળ્યો છે. આજકાલ બધુ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે, તેથી આ લોકગીતો પણ ઈન્ટરનેટના માધ્યમથી લોકો સુધી પહોંચે તેથી આ યુટ્યુબ ચેનલ શરૂ કરી છે.”

આ આઇડિયા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે “મારા ભાઈ પાસેથી મને યુટ્યુબ ચેનલ શરૂ કરવાની પ્રેરણા મળી હતી. લગભગ એક વર્ષ પહેલાં જ્યારે મેં યુટ્યુબ ચેનલ બનાવવાનું નક્કી કર્યું ત્યારે સ્ટુડિયો તરફથી પણ મને સારો સહયોગ મળ્યો હતો અને તેમણે તમામ રીતે મદદ કરી હતી.”

તલવાર બાજીનો પણ છે શોખ

તેમના શોખ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે “મને ગાવાનો અને ગરબા રમવાનો શોખ છે. તે ઉપરાંત મેં જાતે કેટલાક ગીતો પણ લખ્યા છે.” તેમણે લગ્ન ગીતોનું સંકલન કરી તેની એક ચોપડી પણ બહાર પાડી હતી, જેમાં તેમના કેટલાક સ્વરચિત ગીતો પણ પાછળ મૂક્યા હતા. રસપ્રદ વાત એ છે કે બાને આ ઉંમરે તલવાર બાજીનો પણ શોખ છે. તેમણે કહ્યું કે “મને આ કાર્યમાં મારી દોહિત્રી અને તમામ પરિવારના સભ્યો દ્વારા સહકાર મળે છે.”

ઉલ્લેખનીય છે કે અગાઉ હેમલતાબેનને સ્થાનિક રેડિયો સ્ટેશન દ્વારા પ્રોગ્રામ માટે પણ બોલાવવામાં આવ્યા હતા. ઉપરાંત ગત વર્ષે તેમણે મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની સર્જનાત્મક સ્પર્ધાઓમાં ભાગ લીધો અને તેમાં પણ તેમણે ઈનામ જીત્યું હતું, જે કૃતિ અમે નીચે મૂકી છે.

gujarat news kutch bhuj