ગુજરાતમાં આખરે ૧થી ૮ ધોરણ સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત

01 March, 2023 08:31 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

જોગવાઈઓના ભંગ બદલ શાળાના સંચાલકો પાસેથી વસૂલાશે દંડ, ગુજરાત વિધાનસભામાં ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક, ૨૦૨૩ સર્વાનુમતે પસાર થયું

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)


અમદાવાદ ઃ ગુજરાત વિધાનસભામાં ગઈ કાલે ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક, ૨૦૨૩ સર્વાનુમતે પસાર થયું હતું, જેમાં ગુજરાતમાં ૧થી ૮ ધોરણ સુધી ગુજરાતી ભાષાનું ફરજિયાત શિક્ષણ કરવામાં આવ્યું છે, એટલું જ નહીં, પરંતુ જોગવાઈઓનો ભંગ બદલ શાળાના સંચાલકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે.
 

ગુજરાતના શિક્ષણપ્રધાન ડૉ. કુબેર ડિંડોરે માહિતી આપતાં કહ્યું હતું કે ‘ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ૧થી ૮ ધોરણ સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત આપવાની જોગવાઈ વિધેયકમાં કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત પાઠ્યપુસ્તક ભણાવવાનાં રહેશે. આ કાયદાની જોગવાઈઓનો ભંગ કરનાર શાળાના સંચાલકોને દંડ ફટકારવાની અને આવી પ્રવૃત્તિના ત્રણ ઉલ્લંઘનના કિસ્સામાં રાજ્યની બિનસહાયિત શાળાઓને અપાયેલી માન્યતા રદ કરવા જેવાં પગલાં લેવાની જોગવાઈઓ આ કાયદામાં કરવામાં આવી છે.’
તેમણે એમ પણ કહ્યું હતું કે ‘ગુજરાતી ભાષા ગુજરાતની સત્તાવાર ભાષા હોવા છતાં કેટલીક શાળાઓમાં ગુજરાતી ભાષાને એક વિષય તરીકે પણ શીખવવામાં આવતી નથી, જેને કારણે રાજ્યના રહેવાસીઓ તેમની સત્તાવાર ભાષાથી વંચિત રહે છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ગુજરાતી માધ્યમ સિવાયની તમામ શાળાઓમાં ક્રમશઃ આઠમા ધોરણ સુધી ગુજરાતી ભાષા શિક્ષણનો ફરજિયાત અમલ કરવાનો આદેશ અપાયો છે.’
તેમણે દંડની જોગવાઈની વિગત આપતાં કહ્યું કે ‘જો કોઈ શાળા પ્રથમ વખત કાયદાનું ઉલ્લંઘન કરે તો ૫૦,૦૦૦ રૂપિયા, બીજી વાર ઉલ્લંઘન કરે તો ૧ લાખ રૂપિયા અને ત્રીજી વાર ઉલ્લંઘન કરે તો બે લાખ રૂપિયાના દંડને પાત્ર થશે. જો કોઈ શાળા એક વર્ષ કરતાં વધુ સમયથી ઉલ્લંઘન કરે તો એની માન્યતા રદ કરવા સુધીનાં પગલાં લેવામાં આવશે.’ 

gujarat news Education shailesh nayak