ગીરમાં સિંહના ટોળાએ રસ્તો રોકતાં ઍમ્બ્યુલન્સમાં જ કરાવી યુવતીની પ્રસૂતિ

22 May, 2020 10:02 AM IST  |  Mumbai Desk | Agencies

ગીરમાં સિંહના ટોળાએ રસ્તો રોકતાં ઍમ્બ્યુલન્સમાં જ કરાવી યુવતીની પ્રસૂતિ

પ્રતીકાત્મક તસવીર

એશિયાટિક સિંહો માટે જાણીતા ગીરના જંગલથી એક અનોખી ઘટના સામે આવી છે. આ ઘટના વાંચીને તમે પણ અચંબિત થઈ જશો. જિલ્લાના ગીર ગઢડામાં રસ્તા પર સિંહનું ટોળું હોવાથી ગર્ભવતી યુવતીને લઈને જતી ૧૦૮ ઍમ્બ્યુલન્સ અટવાઈ પડી હતી, જેને કારણે યુવતીને ઍમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવી પડી હતી. મળતી વિગતો પ્રમાણે ગીર ગઢડાની ૧૦૮ ઍમ્બ્યુલન્સને રાત્રે ૧૦.૨૦એ તાલુકાના ભાખા ગામથી ૩૦ વર્ષની અફસાનાબહેનને પ્રસૂતિની પીડા માટે કૉલ આવ્યો હતો. આ પછી ગીર ગઢડાની ૧૦૮ એ પ્રસૂતાને લેવા જતી હતી અને ત્યાંથી લઈને તેમને ગીર ગઢડાના સરકારી દવાખાને જવાનું હતું. અચાનક જ રસુલપરા પાટિયા પાસે પહોંચ્યા ત્યાં રસ્તામાં ૪ સિંહનું ટોળું બેઠું હતું જેને કારણે ઍમ્બ્યુલન્સ ત્યાં જ રોકવી પડી હતી અને અંદર પ્રસૂતિની પીડાવાળા દરદીને દુખાવો વધવા લાગ્યો અને ૧૦૮માં અંદર રહેલા ઇમર્જન્સી સ્ટાફ ઈએમટી જગદીશ મકવાણા અને પાઇલટ ભરતભાઈ આહિર દ્વારા ઍમ્બ્યુલન્સમાં ડિલિવરી જ કરાવી દીધી હતી અને બેબીનો જન્મ થયો હતો. માતા અને બાળકને ઍમ્બ્યુલન્સમાં જરૂરી સારવાર આપી હતી અને ત્યાર બાદ પણ એ ૪ સિંહનું ટોળું ત્યાં જ રોડ પર હતું અને ઍમ્બ્યુલન્સ ફરતે આંટા મારતા હતા. ૨૦ મિનિટ બાદ એ સિંહનું ટોળું સાઇડમાં જતું રહ્યું અને મહિલાને ગીર ગઢડા હૉસ્પિટલ ખાતે સલામત રીતે લઈ જવામાં આવી હતી.

gujarat national news