અમદાવાદઃ દીકરાને જામીન અપાવવા પિતાએ કાલ્પનિક દીકરીને મારી નાખી!

03 May, 2019 01:38 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃ દીકરાને જામીન અપાવવા પિતાએ કાલ્પનિક દીકરીને મારી નાખી!

પ્રતિકાત્મક તસવીર

હત્યાના આરોપમાં જેલમાં બંધ પુત્રને છોડાવવા માટે પિતાએ કાલ્પનિક દીકરીનું ખોટું ડેથ સર્ટિફિકેટ બનાવડાવ્યું. અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં હાઈકોર્ટના રજિસ્ટ્રારે આ ફરિયાદ કરી છે. પ્રદ્યુમન રાવલ નામના વ્યક્તિ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત, નકલી પ્રમાણપત્રો બનાવવાની ફરિયાદ કરવામાં આવે છે.

શું છે મામલો?
કેસની વિગતો પ્રમાણે, પ્રદ્યુમન રાવલના પુત્ર અમિતને 2017માં પોતાના પુત્રને તળાવમાં ડુબાડીને મારી નાખવાના આરોપમાં સજા મળી હતી. અમિતે તેની પત્ની સાથે દહેજને લઈને ઝઘડો થતા પોતાના જ પુત્રને મારી નાખ્યો હતો. જે બાદ તેના પિતાએ, માર્ચમાં  હાઈકોર્ટમાં પુત્રને જામીન આપવા માટે અરજી કરી હતી.

કોર્ટનું અવલોકન

પુત્રના જામીન માટે પ્રદ્યુમને દીકરી પાયલનું નિધન થયું હોવાનું કારણ આપ્યું અને તેનું ડેથ સર્ટિફિકેટ પણ રજૂ કર્યું. જો કે પૂછપરછમાં ખુલાસો થયો કે તે સર્ટિફિકેટ ખોટું હતું. હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે, "પાયલ નામની કોઈ વ્યક્તિ જ નથી અને જામીન મેળવવા માટે ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીના પિતા છેતરપિંડીના કેસમાં દોષિત છે."

આ પણ વાંચોઃ ગુજરાતમાં પાણીની પારાયણઃ પાણીની અછતની ફરિયાદોથી ઉભરાઈ હેલ્પલાઈન્સ

કોર્ટે એમ પણ નોંધ્યું કે આ કેસમાં, "અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એ  કર્મચારી પણ દોષિત છે જેણે આ સર્ટિફિકેટ બનાવ્યું." આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.

ahmedabad gujarat