કોઈ પણ પક્ષમાં જોડાઈશ તો ડંકાની ચોટ પર કહીશ : હાર્દિક પટેલ

20 May, 2022 11:05 AM IST  |  Mumbai | Shailesh Nayak

કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપનાર પાટીદાર નેતાએ કહ્યું કે બીજેપીમાં અથવા આમ આદમી પાર્ટીમાં જોડાવાની વાતો ચાલે છે, પણ આ પ્રકારનો કોઈ નિર્ણય નથી લીધો

અમદાવાદમાં પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતો હાર્દિક પટેલ.


અમદાવાદ ઃ ગુજરાત કૉન્ગ્રેસના કાર્યકારી અધ્યક્ષપદ પરથી રાજીનામું આપીને પક્ષને રામ રામ કરનાર હાર્દિક પટેલે ગઈ કાલે ગુજરાતની જનતાને મેસેજ આપતાં અને કૉન્ગ્રેસ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે કૉન્ગ્રેસ પાર્ટી પર ભરોસો ન કરતા, તમારો ભરોસો તોડશે. કૉન્ગ્રેસને નજીકથી જાણી ત્યારે ખબર પડી કે ગુજરાતમાં કૉન્ગ્રેસ જાતિવાદની રાજનીતિ કરે છે અને સાત-આઠ લોકો છેલ્લાં ૩૩ વર્ષોથી કૉન્ગ્રેસ પાર્ટી ચલાવે છે.
હાર્દિક પટેલે ગઈ કાલે પ્રેસ કૉન્ફરન્સ યોજીને ખોંખારીને કહ્યું હતું કે બીજેપીમાં અને આમ આદમી પાર્ટીમાં જવાની મારી વાત ચાલે છે, પણ આ પ્રકારનું કોઈ આયોજન નથી. બીજેપીમાં જવાનો નિર્ણય નથી. કોઈ પણ પક્ષમાં જોડાઇશ તો ડંકાની ચોટ પર કહીશ. બીજેપી સામે લડતો ત્યારે ગર્વ થતો હતો. હાર્દિક પટેલે કૉન્ગ્રેસ પક્ષ પર આક્ષેપોની ઝડી વરસાવતાં કહ્યું હતું કે ‘ગુજરાતમાં હાર્દિક પટેલ એકમાત્ર કૉન્ગ્રેસથી નારાજ નથી. ગુજરાતમાં અસંખ્ય યુવાનો, વિધાનસભ્યો એવા છે જેમનો કૉન્ગ્રેસ ઉપયોગ કરીને ફેંકી દેવા માગે છે. આ શરૂઆત હાર્દિકથી નથી થઈ. ચીમનભાઈ પટેલ, વિઠ્ઠલ રાદડિયા, નરહરી અમીનને આવી રીતે હટાવી દીધા. મજબૂતાઈથી અવાજ ઉઠાવે તેને નેતાઓ હટાવી દેવાનું કામ કરે છે. સાચી વાત કહેવાનો પ્રયત્ન કરો તો બદનામ કરવાનું કામ કૉન્ગ્રેસ કરે છે. ૨૦૧૭માં અમારા જેવા યુવાનોનો ઉપયોગ થયો હતો. અમે નિઃસ્વાર્થ ભાવે સમાજ માટે બીજેપી સામે આંદોલન કર્યું હતું. કૉન્ગ્રેસ ગુજરાતનું સારું કરવા માગતી નથી.’
હાર્દિક પટેલે કૉન્ગ્રેસની યોજાયેલી ચિંતન શિબિરને લઈને આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘૧૧૭ લોકોએ કૉન્ગ્રેસ છોડી છે ત્યારે તમારી જાત પર ચિંતન કરવાની જરૂર છે. અલ્પેશ ઠાકોર સહિતના બધા લોકો દુખી થઈને, પરેશાન થઈને ગયા. કૉન્ગ્રેસને કહું છું કે જે છે તેમને સાચવી રાખજો કેમ કે કૉન્ગ્રેસને છોડીને જવાની એક મોટી રેલ તૈયાર થઈ રહી છે.
હાર્દિક પટેલે વધુમાં કહ્યું હતું કે ૨૦૧૭માં મોકો આપવા માટે જનતા સમક્ષ વાત કરી હતી એટલે હું મારા સમાજ અને ગુજરાતની જનતાની હાથ જોડીને માફી માગું છું. 

gujarat news hardik patel