ઇડર-પાવાપુરી જૈન સાધુ દુષ્કર્મ: વધુ એક મહિલાએ લગાવ્યો છેડતીનો આરોપ

29 June, 2020 06:11 PM IST  |  Idar | Gujarati Mid-day Correspondent

ઇડર-પાવાપુરી જૈન સાધુ દુષ્કર્મ: વધુ એક મહિલાએ લગાવ્યો છેડતીનો આરોપ

ઇડરના પાવાપુરી જૈન મંદિરના જૈન મુનિઓની મુશ્કેલી વધી છે. વધુ એક મહિલાએ જૈન મુનિ પર છેડતીનો આરોપ લગાવ્યો છે. ૭૫ વર્ષની વૃદ્ધાએ નિવેદનમાં જણાવ્યું કે સાત-આઠ વર્ષ પહેલાં એકલતાનો લાભ લઈને છેડતી કરી હતી. મહિલાના નિવેદન બાદ જૈન મુનિ સામે લોકોનો રોષ ભભૂકી ઊઠ્યો છે. શનિવારે જૈન મુનિ દુષ્કર્મ મામલે પોલીસ દ્વારા બે જૈન મુનિની ધરપકડ કરવામાં આવી હતી. બન્ને મુનિની તબીયત સારી ન હોવાથી તેમને સિવિલ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કોરોના ટેસ્ટ કરાવવામાં આવી.

ઇડરના પાવાપુરી જૈન મંદિરના બે જૈન સાધુ સામે દુષ્કૃત્યો આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. બે જૈન સાધુ સામે અનુયાયી મહિલાઓને તંત્ર-મંત્રના નામે ડરાવી-ધમકાવી દુષ્કૃત્ય આચર્યું હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ નોંધાતાં ખળભળાટ મચી ગયો હતો. ફરિયાદ બાદ પોલીસે બન્ને સાધુઓને નજરકેદ જેવી સ્થિતિમાં રાખી વિવિધ આક્ષેપો વિશેની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી પ્રમાણે બન્ને સાધુઓ છેલ્લા એકાદ વર્ષથી વ્યભિચાર આચરતા હોવાની તેમ જ મહિલા અનુયાયીને ખરાબ નજરે જોઈ તેમનું શારીરિક તથા માનસિક શોષણ કરતા હોવાની મૌખિક ફરિયાદો મળી હતી. તેમ જ આ બન્ને સાધુ જૈન ધર્મના ઓઠા તળે અનુયાયી મહિલાઓને ધમકાવી દુષ્કૃત્યો આચરતા હતા, જેને પગલે ટ્રસ્ટી મંડળે બન્ને સાધુ સામે ફરિયાદ નોંધાવી હતી. આ સાથે પીડિત મહિલાનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

gujarat