અમદાવાદમાં કોવિડમાં કામ કરતા ડૉક્ટરો માટે મારે ક્વૉલિટી ફૂડ આપવું છે: સંજીવ કપૂર

06 May, 2021 02:02 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આ જાણીતા શેફના માર્ગદર્શનમાં એશિયાની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલમાં ડૉક્ટરો માટે શરૂ કરાઈ ભોજનવ્યવસ્થા

સંજીવ કપૂર

‘કોવિડમાં કામ કરતા ડૉક્ટરો માટે મારે ક્વૉલિટી ફૂડ આપવું છે.’ જાણીતા શેફ સંજીવ કપૂરનો ફોન અમદાવાદમાં આવેલી સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ પર આવ્યો અને રેસિડન્ટ ડૉક્ટરો માટે ભોજન સેવા શરૂ થઈ છે. શેફ સંજીવ કપૂરના માર્ગદર્શનમાં એશિયાની સૌથી મોટી અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં કોવિડ પેશન્ટની સારવાર કરતા ડૉક્ટરો માટે શરૂ કરાયેલી આ વ્યવસ્થામાં દરરોજ બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર તૈયાર કરવા ખાસ ૧૨ શેફ અમદાવાદ આવ્યા છે.

સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ જે. વી. મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સંજીવ કપૂરનો મારી ઉપર ફોન આવ્યો હતો અને ડૉક્ટરો માટે જમવાનું તૈયાર કરવાની વાત કરી હતી ત્યારે મેં પહેલાં એમને કહ્યું હતું કે મારે ૧૦૦ ડૉક્ટરો માટે જરૂર છે. ત્યારે તેઓએ મને કહ્યું હતું કે ‘મારે ક્વૉલિટી ફૂડ આપવું છે. જેટલા પણ ડૉક્ટરો કોવિડમાં કામ કરતા હોય તે રેસિડન્ટ ડૉક્ટરોને માટે ફૂડ પૂરું પાડવું છે. આ ટોકન ઑફ એપ્રિશિએશન છે અને અમે આપવા માગીએ છીએ.’ મેં તેમને આ કામ માટે હા પાડી હતી. હાલમાં તેમના ૧૨ શેફ અમદાવાદ આવ્યા છે. બે દિવસથી તેઓએ અમારી હૉસ્પિટલના ડૉક્ટરો માટે બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર તૈયાર કરી મોકલવાનું શરૂ કર્યું છે.

તેઓએ વધુમાં કહ્યું હતું કે ‘અગાઉ પીક હતો તે વખતે પણ સંજીવ કપૂરને ફૂડ આપવાની તેમની ઇચ્છા હતી પણ પૂરી થઈ શકી નહોતી. એટલે આ વખતે મારી પર ફોન આવ્યો અને મેં હા પાડી.’

gujarat ahmedabad coronavirus covid19 sanjeev kapoor