હું સ્વસ્થ છું : અમિત શાહ

10 May, 2020 08:11 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

હું સ્વસ્થ છું : અમિત શાહ

અમિત શાહના નામે ફરતી થયેલી ફેક ટ્વીટ.

પોતાના સ્વાસ્થ્યને લઈને ફેક ટ્વીટ વાઇરલ થતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે ટ્વીટ કરતાં કહ્યું કે હું સંપૂર્ણપણે સ્વસ્થ છું. મને કોઈ બીમારી નથી. બીજી તરફ અમિત શાહના સ્વાસ્થ્ય વિશે તેમના નામે ફેક ટ્વીટ વાઇરલ કરનાર ચાર શખસોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરીને તેમની સામે ગુનો નોંધ્યો છે.

અમિત શાહે ગઈ કાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક દિવસથી મારા કેટલાક મિત્રોએ સોશ્યલ મીડિયાના માધ્યમથી મારા સ્વાસ્થ્ય વિશે કેટલીક મનઘડંત અફવા ફેલાવી છે. ત્યાં સુધી કે કેટલાક લોકોએ મારા મૃત્યુ માટે પણ ટ્વીટ કરીને દુઆ માગી છે.’

તેઓએ વધુમાં એમ પણ લખ્યું હતું કે ‘મારી પાર્ટીના લખો કાર્યકરો અને મારા શુભચિંતકોએ બે દિવસથી બહુ ચિંતા વ્યક્ત કરી હતી. તેમની ચિંતાને હું નજરઅંદાજ કરી શકતો નથી. એટલા માટે હું આજે સ્પષ્ટતા કરવા માગું છું કે હું પૂર્ણ રૂપે સ્વસ્થ છું અને મને કોઈ બીમારી નથી.’

અમિત શાહે અંતમાં લખ્યું હતું કે ‘જે લોકોએ આ અફવા ફેલાવી છે તેમના પ્રત્યે મારા મનમાં કોઈ દુર્ભાવના કે દ્વેષ નથી.’

બીજી તરફ અમદાવાદના સ્પેશ્યલ સીપી (ક્રાઇમ) અજય તોમરે ગઈ કાલે કહ્યું હતું કે ‘કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નામે એક ફેક ટ્વીટ બનાવીને વાઇરલ કરવામાં આવી હતી. આ વસ્તુ ધ્યાનમાં આવતાં ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ટ્વીટને કારણે ગેરસમજ ઊભી થઈ હતી. આ કેસમાં તપાસ કરીને ચાર જણને ડીટેન કરવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. આ ચારમાંના બે ભાવનગરના સિરાઝ હુસેન અને સજ્જાદ અલી તેમ જ અમદાવાદના સરફરાઝ મેમણ અને ફિરોઝ પઠાણ. તેમની અટકાયત કરીને ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ ચાલુ છે.’

amit shah gujarat shailesh nayak