સંગઠનથી નહીં, આર્થિક જાગૃતિથી આવશે સાચી સામાજિક ક્રાન્તિ

08 May, 2026 04:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોઈ પણ સમાજની પ્રગતિનો સાચો માપદંડ એ છે કે એ એના છેવાડાના માણસને કેટલી મજબૂતીથી પકડી રાખે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

કોઈ પણ સમાજની પ્રગતિનો સાચો માપદંડ એ છે કે એ એના છેવાડાના માણસને કેટલી મજબૂતીથી પકડી રાખે છે. આજે જ્યારે અમે ૯૭ વર્ષ જૂની માતૃસંસ્થા શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટના નેજા હેઠળ કામ કરી રહ્યા છીએ ત્યારે અમારો ઉદ્દેશ માત્ર પરંપરા જાળવવાનો નથી પણ આધુનિક યુગના પડકારોને ઝીલીને સમાજને આર્થિક અને સામાજિક રીતે સધ્ધર કરવાનો છે. હેલ્થ અને એજ્યુકેશન ક્ષેત્ર ઉપરાંત બિઝનેસ અને નોકરી અંગે ઉદ્ભવતી સમસ્યાઓનો ઉકેલ લાવવાના પ્રયાસ પણ અમે હાથ ધર્યા છે, જે સમાજને આર્થિક રીતે વધુ સધ્ધર બનાવવા માટે મદદગાર સાબિત થશે.

આજે કોઈ પણ બિઝનેસમૅનને મળો તો તેની એક જ ફરિયાદ હોય છે કે સારા અને ભરોસાપાત્ર માણસો નથી મળતા. બીજી તરફ ભણેલા-ગણેલા યુવાનો કહે છે કે સારી કંપની કે તક નથી મળતી. આ ગૅપને પૂરવા માટે અમે ભાનુશાલી ચેમ્બર ઑફ કૉમર્સની શરૂઆત કરી છે. અમારો ઉદ્દેશ એમ્પ્લૉયર અને એમ્પ્લૉઈને એક મંચ પર લાવવાનો છે. આ કડીને મજબૂત કરવા માટે ગ્લોબલ લેવલે પ્રયાસો થાય છે. અમે મુંબઈમાં ઘાટકોપરના તિલકનગરમાં આવેલા ભાનુશાલી બૅન્ક્વેટ હૉલમાં તેમ જ ઐરોલી અને નેરુળ જેવા વિસ્તારોમાં રોજગાર મેળાનું આયોજન કરીએ છીએ જેથી સમાજની ટૅલન્ટને યોગ્ય સ્થાન મળી રહે.

આ સમય એવો છે કે માત્ર કમાવું પૂરતું નથી, કમાયેલાં નાણાંનું વ્યવસ્થાપન કરવું પણ એટલું જ જરૂરી છે. આથી જ અમે સમાજમાં ફાઇનૅન્શિયલ લિટરસીની મુહિમ છેડી છે. ટૅક્સ-મૅનેજમેન્ટ, GST અને રોકાણ જેવા જટિલ વિષયો પર નિષ્ણાતોના સેમિનાર્સ યોજીને અમે નાના વેપારીઓને અને યુવાનોને માર્ગદર્શન આપી રહ્યા છીએ.

આ ડિજિટલ યુગમાં ડેટા એ જ સાચું સામર્થ્ય છે. અમને ગૌરવ છે કે અમારું ભાનુ આધારકાર્ડ મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઑથોરાઇઝ્ડ છે. અમે આ ડેટાને એકત્રિત કરીને એનું યોગ્ય વર્ગીકરણ કરીએ છીએ. આ ડેટાની મદદથી જ અમે ભવિષ્યમાં હૉસ્પિટલો, ફાર્મસીઓ અને લૅબોરેટરીઓ સાથે ટાઇ-અપ કરવાનું આયોજન કરી રહ્યા છીએ જેથી જ્ઞાતિના સભ્યોને આરોગ્યસેવાઓમાં વિશેષ રાહત અને સુવિધા મળી શકે.

વિદ્યાર્થીઓ આપણું ભવિષ્ય છે. સમાજના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ આપવાની પ્રક્રિયાને અમે સંપૂર્ણપણે કૅશલેસ અને પારદર્શક બનાવી છે. સીધી ખાતામાં જમા થતી આ રકમ સમાજની કાર્યપ્રણાલીમાં રહેલી આધુનિકતા અને પ્રામાણિકતાનું પ્રતીક છે. પાવર ઑફ ડેટા અને પાવર ઑફ યુનિટીના સંગમ દ્વારા અમે એક એવા સમાજનું નિર્માણ કરવા માગીએ છીએ જ્યાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગાર માટે કોઈએ વલખાં ન મારવાં પડે.

finance news indian economy kutchi community kutch health tips Education