રાજકોટ : આખો દિવસ શહેરમાં વરસાદી ઝાપટા અને ભારે પવન ફુકાયો

13 June, 2019 11:03 PM IST  |  રાજકોટ

રાજકોટ : આખો દિવસ શહેરમાં વરસાદી ઝાપટા અને ભારે પવન ફુકાયો

રાજકોટમાં વરસાદી ઝાપટાં

એકધારી કાળઝાળ ગરમી, લૂ અને બફારાથી ત્રસ્ત બનેલા રાજકોટવાસીઓ માટે આજની સવાર ખુશનુમા વાતાવરણ સાથે ઉગી હતી. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક જોરદાર વધી ગયું હતું અને આકાશ કાળાડીબાંગ વાદળોથી છવાયું હતું. સવારે સાત વાગ્યાથી થોડા થોડા સમયના વિરામ વચ્ચે ઝાપટાઓ ચાલુ રહ્યા હતા અને તેના કારણે રસ્તાઓ ભીના થયા હતા. રાજકોટમાં આજે સવારે ભેજનું પ્રમાણ ૯૨ ટકા રહ્યું હતું.


આકાશમાં ભેજવાળા વાદળોની સાથોસાથ તીવ્રગતિએ પવન ફંકાતા સવારના ગરમી ગાયબ થઈ ગઈ હતી, એટલું જ નહીં આખો દિવસ ગરમીમાં રાહત મળી હતી. આજે લાંબા સમય બાદ મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી નીચે સરકી ગયો છે. વાવાઝોડું ફંટાઈ ગયું છે પરંતુ રાજકોટ સહિત રાયના ૧૦ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાથી અને રાજકોટમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો હોવાથી હજુ દિવસ દરમિયાન વધુ વરસાદની સંભાવના છે.

આ પણ જુઓ : વાયુ વાવાઝોડાની હજી પણ વર્તાઈ રહી છે અસર, ફોટોઝમાં જુઓ ભયાવહ સ્થિતિ

વાયુ વાવાઝોડુ ઓમાન ફંટાયું

વાયું વાવાઝોડું તો ગુજરાતના બદલે ઓમાન તરફ ફંટાયું છે. આગોતરી તૈયારીના કારણે અને વાવાઝોડું ફંટાવાને કારણે ગુજરાત મોટી આફતમાંથી ઉગરી ગયું છે. મોટી જાનહાનિ ટળી છે. જો કે જતા જતાં પણ વાવાઝોડું પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતું ગયું છે. ભાવનગરમાં એટલી ઝડપે પવન ફૂંકાયો કે સ્ટેશનનો બાકડો જ ઉડી ગયો. મળતી માહિતી પ્રમાણે ભાવનગરના સોનગઢ રેલવે સ્ટેશન પર લોખંડનો બાકડો ઉડીની રેલવે ટ્રેક પર જઈને પડ્યો. આ પ્રકારની ઘટનાઓને કારણે રેલવે દ્વારા આ વિસ્તારની ટ્રેનો બંધ કરવામાં આવી છે.

rajkot gujarat