મધરાતે મેઘો મુશળધાર વરસ્યો અમદાવાદમાં

30 May, 2025 10:38 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

રાતે બેથી વહેલી સવારે પાંચ વાગ્યા દરમ્યાન દોઢ ઇંચ કમોસમી વરસાદને પગલે અમદાવાદ થયું પાણી-પાણી : કોટ વિસ્તારમાં ધના સુથારની પોળમાં મકાન ધરાશાયી થતાં એક મહિલાનું મોત : ગુજરાતના ૩૪ તાલુકાઓમાં પડ્યો કમોસમી વરસાદ

અમદાવાદમાં ભરાયેલાં વરસાદી પાણી અને પડી ગયેલું મકાન. તસવીરો : જનક પટેલ

છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ ગુજરાતના અનેક વિસ્તારોને ધમરોળી રહ્યો છે ત્યારે બુધવાર મધરાતથી ગુરુવારની વહેલી પરોઢ સુધી અમદાવાદમાં મેઘરાજા મુશળધાર વરસતાં અમદાવાદ ઊંઘતું ઝડપાયું હતું. દોઢ ઇંચ જેટલા વરસાદમાં શહેર પાણી-પાણી થઈ ગયું હતું. એટલું જ નહીં, કોટ વિસ્તારમાં આવેલી ધના સુથારની પોળમાં મકાન ધરાશાયી થતાં એના કાટમાળમાં દટાઈ ગયેલી બે મહિલાઓ પૈકી એકનું મોત થયું હતું.

બુધવારની મધરાતે બે વાગ્યાથી શહેરમાં વરસાદ પડવાનો શરૂ થયો હતો અને જોતજોતામાં શહેરને ધમરોળી નાખ્યું હતું. અડધી રાતે પડેલા વરસાદને કારણે શહેરીજનો ઊંઘમાંથી ઊઠી ગયા હતા. ચારેકોર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી તેમ જ શહેરના અન્ડરપાસમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. શહેરની ૧૦૬ જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. વરસાદને કારણે ૧૧ વૃક્ષ ઊખડી ગયાં હતાં. સવાર સુધી પાણી નહીં ઊતરતાં કામધંધે જતા નોકરિયાત વર્ગ સહિતના અનેક લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા. માત્ર દોઢ ઇંચ જેટલા વરસાદમાં શહેરમાં આ સ્થિતિ સર્જાઈ તો ચોમાસામાં ભારે વરસાદમાં શું થશે એવી ભીતિ પણ શહેરીજનોમાં ફેલાઈ છે. બીજી તરફ ગઈ કાલે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ૩૪ તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

ahmedabad gujarat Gujarat Rains monsoon news Weather Update news gujarat news