સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી

07 August, 2019 02:37 PM IST  |  અમદાવાદ

સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી

અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. બે દિવસથી વરસાદ ઘટતા લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. ખાસ કરીને વડોદરા, નવસારી, સુરત સહિત જે વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, ત્યાં લોકો મુસીબત ટળતા રાહત અનુભવતા દેખાઈ રહ્યા છે. પરંતુ આ રાહત ક્ષણભંગુર નીકળે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ફરી રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલું અપર એર સરક્યુલેશન ઓછું થતાં હાલ રાજ્યમાં વરસાદ અટક્યો છે. પરંતુ આગામી બે દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વય્ક્ત કરી છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે ફરીવાર બંગાળની ખાડીમાં લૉ પ્રેશર ડિપ્રેશન બન્યું છે, જે ગુરુવારે એટલે કે 8 ઓગસ્ટ સુધીમાં ગુજરાત પહોંચી શકે છે. આ ડિપ્રેશનના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે.

8 ઓગસ્ટે આ ડિપ્રેશનના કારણે રાજ્યમાં વરસાદ પડી શકે છે. તો 9 ઓગસ્ટથી સતત ત્રણ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પ્રબળ શક્યતા છે. અમદાવાદમાં પણ 9 અને 10 એમ બે દિવસ અતિબારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આની સાથે આગામી બે દિવસ રાજ્યમાં ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધવાની શક્યતા છે.

હવામાન વિભાગ પ્રમાણે દક્ષિણ ગુજરાતની સાથે સાથે 9 અને 10 તારીખે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉલ્લેખનયી છે કે તાજેતરમાં જ વરસાદે સમગ્ર ગુજરાતને બાનમાં લીધું હતું. ખાસ કરીને વડોદરા, નવસારી, સુરત અને આણંદમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. તેમાં વડોદરામાં હાલત અતિગંભીર હતી. હવે બે દિવસથી વરસાદ બંધ થતા રાહત કાર્ય પૂરજોશમાં ચાલુ છે. તો વડોદરામાં સફાઈ પણ યુદ્ધના ધોરણે થઈ રહી છે.

આ પણ વાંચોઃ ભારે વરસાદ બાદ મહાબળેશ્વર-લવાસા પ્રવાસીઓ માટે બંધ

ત્યારે જો ફરી બે દિવસ રાજ્યમાં વરસાદ પડે તો પરિસ્થતિ ફરી ગંભીર બની શકે છે. જે વિસ્તારોમાંથી પાણી ઉતર્યા છે, ત્યાંના લોકોને ફરી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

Gujarat Rains ahmedabad vadodara surat rajkot news