અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

26 July, 2020 01:07 PM IST  |  Ahmedabad | Agencies

અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. અમદાવાદના બોપલ, ઇસ્કોન, પ્રહલાદનગર, સોલા, થલતેજ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. તો ચાંદલોડિયા, શાહપુર, વાસણા વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદના વસ્ત્રાપુર, બોડકદેવ, એસજી હાઇવે, જીવરાજ પાર્ક, આનંદનગર સહિતના વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. કાળા ડિંબાગ વાદળો સાથે વરસાદનું આગમન થયું હતું. તો આ તરફ અમદાવાદના રાણીપ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. ગઈ કાલે સાંજે પાંચ વાગ્યાથી અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. જેમાં શહેરના રાણીપ, ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે.
સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસા અને અમરેલીના સાવરકુંડલામાં ૪-૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે તાપીના સોનગઢ અને મહેસાણાના કડીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસામાં ચાર ઇંચ પડ્યો છે. તો અરવલ્લીના સાવરકુંડલામાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તાપીના સોનગઢ અને મહેસાણાના કડીમાં પોણા ચાર ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. મહેસાણાના બહુચરાજી તાલુકાના અજબપુરામાં ગત રાત્રે વીજળી પડી હતી. નર્મદેશ્વર મહાદેવ મંદિર ઉપર વીજળી પડી હતી. વીજળી પડવાથી મંદિરને ભારે નુકસાન થયું હતું તેમ જ ઘુમ્મટના ભાગને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી બજારમાં પાણી ભરાયાં હતાં. ઉમરપાડાના કેવડી, વાડી સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદી માહોલથી વાતાવરણમાં શીત લહેર પ્રસરી હતી. તો જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
ગોંડલમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
જામનગરમાં ગઈ કાલે બપોરે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે શહેરના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. કાળા ડિંબાગ વાદળો સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વરસાદ બાદ લોકોએ વરસાદી પાણીમાં મજા માણી હતી. દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ધોધમાર વરસાદે રસ્તાઓ પર પાણી વહેતા કર્યા હતા. અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં મેઘરાજાએ એન્ટ્રી કરી અને ભારે પવન સાથે અહીં વરસાદ શરૂ થયો હતો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડ્યો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ગરમીથી કંટાળેલા લોકોએ રાહત અનુભવી હતી. જોકે વરસાદ પડ્યા બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

gujarat Gujarat Rains