દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા અનરાધાર, હજી 48 કલાક માટે આગાહી

01 July, 2019 08:33 AM IST  |  સુરત

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા અનરાધાર, હજી 48 કલાક માટે આગાહી

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા અનરાધાર

રાજ્યમાં મેઘાએ વિધિવત પધરામણી કરી છે અને જાણે પહેલી ઈનિંગમાં મેઘરાજા બધું સાટું વાળી રહ્યા છે. મન મુકીને મેઘરાજા વરસી રહ્યા છે. રવિવાર સવારથી સતત વલસાડમાં વરસાદ પડી રહ્યો છે. વાપીમાં 9 ઈંચ વરસાદ થયો. જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. જયારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોની હાલાકીમાં વધારો થયો છે.

નદીઓ બે કાંઠે
ધોધમાર વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે જ્યારે નદીઓ બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદથી ઓરંગા નદી બે કાંઠા છે. માંગરોલના સિયાલજ ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. નેશનલ હાઈવે 48 પર પાણી ફરી વળ્યા છે. નદીઓ બે કાંઠે છે.

ક્યાં કેટલો વરસાદ?
વલસાડ જિલ્લાના કપરાડામાં 7 ઈંચ વરસાદ થયો છે. વાપીમાં 9 ઈંચ વરસાદ છે. વલસાડમાં 8.8 ઈંચ વરસાદ, ઉમરગામમાં 2.8 ઈંચ, ધરમપુરમાં 6.8 ઈંત વરસાદ થયો છે.

વલસાડના તાપીમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડતાં અગ્નિશમનની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. વલસાડ જિલ્લા કલેક્ટર સી. આર. ખરસાણે જણાવ્યું હતું કે ચાલુ વરસાદે કોઝ-વેનો ઉપયોગ ન કરવો, નદીના પટમાં અચાનક પાણી આવવાની શક્યતા હોવાના કારણે નદીમાં ન જવું જોઈએ.


વલસાડ પંથકમાં મોગરાવાડી, તિથલ રોડ, પરિયા પારડી રોડનો પાણી ભરાવાને કારણે લાંબા સમય સુધી સંપર્ક તૂટી ગયો હતો. વલસાડ રેલવે સ્ટેશન ઉપર પાણી ફરી વળ્યા હતા. વીતેલા ૨૪ કલાક દરમિયાન ઉમરગામમાં ૧૪૮ મિ.મી., કપરાડામાં ૧૫૫, પારડીમાં ૧૮૦, ધરમપુરમાં ૮૬, વલસાડમાં ૧૩૭ અને વાપીમાં ૭૩ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. ધરમપુરમાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. કપરાડામાં પણ નદી-નાળામાં નીરની આવક થવાની સાથે પાંચ ગામનો સંપર્ક તૂટી ગયો હતો.

આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ



48 કલાકની છે આગાહી
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, ડાંગ, વલસાડ, દમણમાં ભારે વરસાદ જ્યારે ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, કચ્છમાં મધ્યમ વરસાદ પડી શકે છે.

surat Gujarat Rains