24 June, 2025 11:36 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
સાંબેલાધાર વરસાદમાં સુરત પાણી-પાણી
ગઈ કાલે સવારે આઠથી ૧૦ વાગ્યાના બે કલાકમાં ખાબકેલા સાડાપાંચ ઇંચ જેટલા સાંબેલાધાર વરસાદ સહિત સાંજે ૬ વાગ્યા સુધીમાં સાડાનવ ઇંચ વરસાદ પડતાં મેઘરાજાએ સુરતની ‘સૂરત’ બગાડી નાખી હતી અને અનેક વિસ્તારો જળબંબાકાર બનતાં જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. સુરત શહેરની જેમ સુરત જિલ્લાનો પણ જાણે વારો કાઢ્યો હોય એમ જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલા બાવન સ્ટુડન્ટ્સ સહિત ૧૧૨ લોકોનું ફાયર-બ્રિગેડ સહિત વહીવટી તંત્ર દ્વારા સલામત રીતે રેસ્ક્યુ કરાયું હતું.
સુરતના અનેક વિસ્તારો થયા પાણી-પાણી
સુરતમાં ગઈ કાલે સવારથી જ ભારે વરસાદ પડવાનો ચાલુ થયો હતો. સુરતના શહેરીજનો સવારમાં કંઈ સમજે એ પહેલાં પડેલા મુશળધાર વરસાદથી કંઈકેટલાય વિસ્તારો પાણી-પાણી થઈ ગયાં હતાં. સુરત પર જાણે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ હતી.
સિંગણપોરથી ડભોલી સુધીના રસ્તા પર કાપોદ્રા, પુણા ગામ, વેડ રોડ; પર્વત ગામ, વરાછા સહિતના વિસ્તારોમાં ક્યાંક ઘૂંટણ સુધી તો ક્યાંક કેડ સમા પાણી ભરાઈ ગયાં હતાં.
વરાછાના મિનીબજારમાં આવેલી સુપર ડાયમન્ડ માર્કેટના બેઝમેન્ટની દુકાનોમાં પાણી ભરાઈ જતાં વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
કતારગામના ધનમોરા ચાર રસ્તા, અશોકનગર ખાતે સ્કૂલે ગયેલાં પોતાનાં બાળકોને ઘરે લઈ આવવા માટે પેરન્ટ્સ દોડ્યા હતા તો ઘણી ઑફિસોએ કર્મચારીઓને રજા આપી દીધી હતી.
ઊધનાથી લિંબાયતને જોડતા અન્ડરપાસ તેમ જ સુરત રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતાં એ સલામતીનાં કારણોસર બંધ કરવા પડ્યા હતા.
તાપીમાં પાણી ફરી વળતાં રાંદેર–સિંગણપોર કૉઝવે બંધ
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પાણી આવતાં રાંદેર અને સિંગણપોરને જોડતો વિયર કમ કૉઝવે ઓવરફ્લો થયો હતો. આ કૉઝવે પરથી તાપી નદીનાં પાણીનું સ્તર ૬ ફુટની સપાટીએ પહોંચ્યું હતું જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓની સલામતી માટે આ કૉઝવે બંધ કરાયો હતો. શહેરમાં પડેલા ભારે વરસાદના પગલે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે ઇન્ટિગ્રેટેડ કન્ટ્રોલ અને કમાન્ડ સેન્ટર ખાતેથી મૉનિટરિંગ કરીને અધિકારીઓને પગલાં લેવા સૂચનાઓ આપી હતી.
સ્ટુડન્ટ્સ સહિત ૧૧૨ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા
ભારે વરસાદના પગલે સુરતના અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતાં જેમાં એલ. પી. સવાણી સર્કલ પાસે ટ્યુશને જતાં ૮ બાળકોને અને સરથાણા ફાયર-સ્ટેશન પાસે મારુતિ વૅનમાં જતાં પાંચ બાળકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સરથાણા જકાતનાકા પાસેથી ૨૮ વિદ્યાર્થીઓ, મ્યુનિસિપલ ટેનમેન્ટ પાસેથી ૧૦ બાળકો, પી. એમ. ભગત સ્કૂલના ૧ વિદ્યાર્થી, આનંદમહલ રોડ પર આવેલી ખાનગી હૉસ્પિટલમાં ફસાયેલા ૩૩ લોકો, વરાછાના ખાંડબજાર પાસેથી બૅન્કના ૧૮ કર્મચારીઓ, વનિતા વિશ્રામ કૅમ્પસમાંથી વિદ્યાર્થીઓ અને વાલી સહિત ૬ લોકોને, રામનગર વૉકવેથી ૧ મહિલા સહિત કુલ ૧૧૨ લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અખંડ આનંદ કૉલેજની બે વિદ્યાર્થિનીને પરીક્ષા આપવા સમયસર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૩૫ તાલુકાઓમાં વરસાદ
ગુજરાતના સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧૩૫ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જેમાં ૪૨ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. તાપી જિલ્લાના ડોલવણમાં ૪.૨૧ ઇંચ, વ્યારામાં ૨.૩૬ અને વાલોડમાં ૨.૨૮ ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે આણંદ જિલ્લાના બોરસદમાં ૩.૬૨ અને ખંભાતમાં ૨.૮૭, નવસારી જિલ્લામાં ૨.૭૨ અને જલાલપોરમાં ૨.૨ ઇંચ, છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવીમાં ૨.૪, મોરબીના વાંકાનેરમાં ૨.૦૯, ખેડા જિલ્લાના નડિયાદમાં ૨.૦૫ ઇંચ વરસાદ પડ્યો હતો.
સુરત જિલ્લાના કૉઝવે પર નદીનાં પાણી ફરી વળ્યાં
સુરત જિલ્લામાં પણ ભારે વરસાદ પડતાં સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર મુંજલાવ બોધાન રોડ પરનો કૉઝવે તેમ જ ઉમરપાડા તાલુકાના બલાલકૂવાથી વહાર રોડ પર આવેલા કૉઝવે પરથી નદીનાં પાણી ફરી વળતાં સલામતી માટે એ બંધ કરવા પડ્યા હતા અને ગ્રામ રક્ષક દળના જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ૭.૩૬ ઇંચ, પલસાણામાં ૬.૦૩, બારડોલીમાં ૪.૦૮, ઓલપાડમાં ૪.૨૧, ચોર્યાસી ૩.૫૪, માંગરોળમાં ૩.૧૫, માંડવીમાં ૩.૦૩, મહુવામાં ૨.૦૧ અને ઉમરપાડા તાલુકામાં સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧.૭૩ ઇંચ વરસાદ પડ્યો હતો.