રાજ્યમાં ભારે વરસાદના કારણે નવાં નીરની આવકઃ નદી-ડૅમ છલકાયાં

01 July, 2019 08:43 AM IST  |  ગાંધીનગર

રાજ્યમાં ભારે વરસાદના કારણે નવાં નીરની આવકઃ નદી-ડૅમ છલકાયાં

વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ શરૂ થયો છે. જિલ્લાના કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદથી વાતાવરણ એકદમ બદલાયું. સવારથી જ કપરાડા અને ધરમપુરમાં મેઘરાજાએ ધમાકેદાર બૅટિંગ શરૂ કરતાં સવારના ૬ થી ૮ વાગ્યા સુધી દરેક સ્થાન પર બે કલાકમાં પાણી જ પાણી થઈ ગયું. ધરમપુરમાં ૩ ઇંચ અને કપરાડામાં પણ ૪ ઇંચ વરસાદ ખાબક્યો.

અંબિકા નદીમાં નવાં નીરની આવક

દક્ષિણ ગુજરાતમાં વરસાદે વિરામ તો લીધો છે પરંતુ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નવસારીની લોકમાતા અંબિકા નદીમાં નવા નીર આવ્યા છે. ગત રાતે પડેલા ભારે વરસાદથી નદીની સપાટીમાં ૩ મીટરનો વધારો થયો છે. હાલની સપાટી ૫.૧૭૫ મીટર પર પહોંચી છે. ભારે વરસાદ અને નદીમાં પાણી આવવાની સંભાવનાને પગલે કિનારાનાં ગામોને અલર્ટ કરાયાં છે. જિલ્લા કલેકટરે ગ્રામીણોને કિનારાથી દૂર રહેવા તેમ જ ગામના તલાટીઓને પણ સતર્ક રહેવા આદેશ આપ્યા છે.

ગોળધા ડેમ ઓવરફ્લો

સુરત જિલ્લા માંડવી તાલુકાના ગોળધા ગામે આવેલો ગોળધા ડૅમ ઓવરફ્લો થતાં ડેમમાં પાણીની આવક થતાં સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ઉનાળાના સમયે ડૅમ સુકાઈ જતાં ખેડૂતોને મુશ્કેલી થઈ હતી પરંતુ હવે ડૅમમાં નવા નીર આવતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

ભાટ ડૅમ છલોછલ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વૉટર વર્કર્સનો ભાટ ડૅમ ઓવરફ્લો થયો છે. આ ડેમમાં બે દિવસ પહેલાં પાણી નહોતું પરંતુ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ડૅમમાં નવા નીર આવ્યા છે. ડૅમમાં પાણી આવતાંની સાથે વલસાડમાં પીવાનાં પાણીની સમસ્યાનું નિવારણ આવશે. તો આ તરફ કપરાડામાં પડેલા વરસાદના કારણે કરચોડ ગામ નજીકથી પસાર થતી તુલસી નદી પરના કોઝવે પર પાણી ફરી વળ્યાં છે આથી કરચોડ, કેતકી અને ઉમળી ગામ સંપર્કવિહોણા બન્યાં હતાં.

આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા અનરાધાર, હજી 48 કલાક માટે આગાહી

ઉમરગામમાં નદી-નાળાં છલકાયાં

ઉમરગામ સહિતના પંથકમાં ભારે વરસાદના કારણે નદી-નાળાં છલકાયાં છે. ઉમરગામમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.

Gujarat Rains gujarat news