દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ

30 June, 2019 03:16 PM IST  |  સુરત

દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ

File Photo

એક તરફ મુંબઈમાં ધમધોકાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે ગુજરાત પણ કોરું નથી. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘો મહેરબાન થયો છે. જો કે ગુજરાતના બાકીના વિસ્તારો કોરાધાકોર છે. દક્ષિણ ગુજરાતમાં મોડી રાતથી વરસાદે ધડબડાટી બોલાવી છે, જેને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. વાપીમાં સવારે 10થી બપોરે 2 સુધીમાં જ 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, તો ડેમમાં નવા નીર આવી રહ્યા છે.

મોડી રાત અને વહેલી સવારથી જ મેઘરાજા દક્ષિણ ગુજરાતને ભીંજવી રહ્યા છે. વલસાડના કપરાડામાં ઈંચ, ધરમપુરમાં 6 કલાકમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો વલસાડ જિલ્લાના પારડીમાં 3 ઈંચ, વરલાડમાં 36 મિમી, ઉમરગામમાં 13 મિમી વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લામાં કામરેજમાં 2 મિમી અને માંગરોળમાં 15 મિમી, તો ડાંગ જિલ્લાના વઘઈમાં 42 મિમી અને સુબીરમાં 2 મિમી વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં દે ધનાધન વરસાદ, રસ્તાઓ પર ભરાયા પાણી

બીજી તરફ સારી વાત એ છે કે ભારે વરસાદના કારણએ વલસાડનો ધડોઈ ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે, તો ગોડધા ડેમમાં પણ સારા પ્રમાણમાં પાણી પહોંચ્યું છે. દક્ષિણ ગુજરાતની ઓરંગા નદી બે કાંઠે થઈ છે. જેને કારણે વાહન વ્યવહારમાં મુશ્કેલી પડી રહી છે. માંગરોળના સિયાલજ ગામના બ્રિજ પરથી પાણી વહી રહ્યા છે. જેને પગલે સિયાલજ અને કોસંબા વચ્ચેનો વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. તો નેશનલ હાઈવે 48 પણ પાણીમાં ગરકાવ થયો છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે વણઝાર ખાડી આસપાસના 6 ગામો સંપર્ક વિહોણાં બન્યા છે.

 

Gujarat Rains gujarat news