રાજકોટમાં મેઘરાજાની ફટકાબાજી, આજે દ​િક્ષણ ગુજરાતનો વારો

25 May, 2022 09:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અડધા ઇંચ જેટલા વરસાદમાં તો રાજકોટમાં કંઈકેટલાય વિસ્તારો પાણી-પાણી થઈ ગયા: ગ્રામ્ય વિસ્તારોમાં પણ પડ્યો કમોસમી વરસાદ

રાજકોટમાં ગઈ કાલે સમી સાંજે વરસાદી ઝાપટું પડ્યા બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં તો સાથે જ અનેક વૃક્ષ ધરાશાયી થઈ ગયાં હતાં, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક જગ્યાઓએ અવરજવર બંધ થઈ ગઈ હતી.


અમદાવાદ : સૌરાષ્ટ્રના વડામથક રાજકોટમાં ગઈ કાલે સમી સાંજે ધોધમાર વરસાદી ઝાપટું પડતાં શહેરમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જોકે અંદાજે અડધા ઇંચ જેટલા વરસાદમાં તો રાજકોટમાં કંઈ કેટલાય વિસ્તારો પાણી-પાણી થઈ ગયા હતા. બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે અને આવતી કાલે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી વિસ્તારમાં હળવો વરસાદ પડશે. ગઈ કાલે સવારે રાજકોટમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો, પરંતુ સાંજે તો જાણે કે શહેરમાં ચોમાસું બેસી ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. આકાશમાં વાદળો છવાઈ ગયાં હતાં અને પવન ફુંકાયો હતો. રાજકોટવાસીઓ કંઈ સમજે તે પહેલાં તો પવનની સાથે વરસાદનું જોરદાર ઝાપટું તૂટી પડ્યું હતું. ગાજવીજ સાથે પડેલા વરસાદના કારણે રાજકોટમાં કુવાડવા રોડ, યુનિવર્સિટી રોડ, આજી ડૅમ, મોરબી રોડ, ઢેબર રોડ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં ઝપાટાબંધ પડેલા વરસાદથી પાણી ભરાઈ ગયાં હતાં. ખાસ કરીને રાજકોટમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો. જોકે આ તકલીફની વચ્ચે બીજી તરફ વરસાદી ઝાપટું પડતાં રાજકોટવાસીઓને ગરમી અને બફારામાંથી ઠંડક મળી હતી. વરસાદની સાથે પવન પણ ફુંકાતો હોવાથી ગરમીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો. રાજકોટ શહેરની સાથે સાથે રાજકોટની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદના પગલે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા. વરસાદ પડતાં ઉનાળુ પાકને અસર થવાની ભીતી ખેડૂતોમાં ફેલાઈ છે અને તેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.

gujarat news rajkot