ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર, દાંતામાં ૪ ઇંચથી વધુ વરસાદ

17 August, 2019 09:35 AM IST  | 

ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર, દાંતામાં ૪ ઇંચથી વધુ વરસાદ

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે જેમાં જિલ્લાની અંદર છેલ્લા ૨૪ કલાક દરમ્યાન દાંતા, પાલનપુર, અમીરગઢ અને વડગામમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે તાલુકાઓમાં ઍવરેજ ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદ થતાં જ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. કેટલીક જગ્યાએ ખેતરોમાં અને મુખ્ય માર્ગો પર પાણી ભરાતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય બનાસકાંઠા સહિત માઉન્ટ આબુ અને રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં પણ નવું પાણી આવવાની શરૂઆત થઈ ગઈ છે. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીમાં પાણી આવતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

હારીજ ખાતે દોઢ દિવસમાં આઠ ઇંચ વરસાદ પડતાં ત્રણ દરવાજાથી જલારામ પાર્ક પાણી ભરાયાં હતાં જેમાં જલારામ પાર્કમાં રસ્તા પરનાં મકાનોમાં પાણી ઘરમાં ન ઘૂસે એ માટે લોકોએ પાળા કરવા પડ્યા હતા, જ્યારે બેચરાજી બાયપાસ રોડ પર ભીલપુરા રોડ પર પાણી ભરાતાં અનેક વાહનો, બાઇકચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. સમગ્ર દિવસ દરમિયાન વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. બેચરાજી બાયપાસ રોડ પર આવેલી શિવવિલા, હસ્તિનાપુર સોસાયટીમાં પાણી ભરાઈ ગયાં હતાં. હસ્તિનાપુર રહેણાક મકાનોમાં પાણી ફરી વળતાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. સોમનાથનગર રસ્તાઓમાં પાણી ભરાઈ ગયાં હતાં.

રાજસ્થાનમાં થયેલા ભારે વરસાદનો સીધો લાભ બનાસકાંઠા જિલ્લાના લોકોને થઈ રહ્યો છે. બનાસ નદીમાં આવતું પાણી દાંતીવાડા ડૅમમાં આવતાં પાણીનાં તળ ઊંચાં આવશે. આનો લાભ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને લોકોને મળશે. આગામી સમયમાં હજી પણ વધુ વરસાદ થવાની શક્યતા હોવાથી હજી પણ વધુ સારો વરસાદ થાય એવું લોકો ઇચ્છી રહ્યા છે.

આ પણ વાંચો: મૃતકોને કાગળની સંપત્તિ ઑફર કરવાની અનોખી ઊજવણી

એકધારા પંદર દિવસથી ગુજરાતમાં પડી રહેલાં ભારે વરસાદ પછી હવે સારા સમાચાર હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે એક દિવસ વરસાદની સંભાવના છે પણ આવતી કાલથી એક અઠવાડિયા સુધી ઉઘાડ નીકળે એવી શક્યતા છે. અત્યારે કોઈ સિસ્ટમ એક્ટ‌િવ નહીં હોવાથી અને કોઈ સિસ્ટમ એક્ટિવ થાય એવી શક્યતા પણ નહીં હોવાને લીધે આવતાં અઠવાડિયા દરમ્યાન છૂટોછવાયો વરસાદ પડી શકે છે પણ એકધારો અને સતત વરસાદમાંથી ગુજરાતને છૂટકારો મળશે. ગુજરાતમાં અત્યારે સુધીમાં જરૂરીયાતનો ૮૮ ટકા વરસાદ પડ્યો છે અને રાજ્યના એંસી ટકાથી વધારે પાણી સંગ્રહાલયો ભરાઇ ચુક્યા છે.

Gujarat Rains gujarati mid-day