Rain forecast: ગુજરાતમાં આગામી પાંચ દિવસ ધોધમાર વરસાદની આગાહી

23 July, 2021 02:40 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

હવાામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં વરસાદને કારણે સ્થિતિ ખુબ જ ગંભીર છે. તેવામાં ગુજરાતમાં પણ આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર (Low pressure in bay of bengal) સક્રિય થયું છે. જેના પગલે આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે રાજ્યમાં કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં હજુ વરસાદની રાહ જોવાઇ રહી છે. તેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ થઈ શકે છે.  તેમજ 24થી 26 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે (Heavy Rain)વરસાદ પડવાની સંભાવના છે. 

વલસાડ, નવસારી, દાદરા નગર હવેલીમાં 23 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 24 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દમણ અને દાદરા નગર હવેલી,  દાહોદ, જામનગર, મોરબી, દ્વારકા, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી અને કચ્છ જિલ્લામાં ધોધમાર  વરસાદ પડવાની શક્યતા છે.  

તેમજ  પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં 25 જૂલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 26 જુલાઈએ નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

 નોંધનીય છે કે રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 25.79 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ થયો છે. હવામાન વિભાગનું અનુમાન છે કે લો પ્રેશરના કારણે સારો વરસાદ થશે અને વરસાદની ઘટ પણ પૂર્ણ થશે. કચ્છમાં 27.09 ટકા, ઉત્તર ગુજરાતમાં 19.28 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 21.90 ટકા અને સૌરાષ્ટ્રમાં 24.04 ટકા, દક્ષિણ ગુજરાતમાં 31.75 ટકા વરસાદ નોંધાયો છે. 

 

Gujarat Rains gujarat gujarati mid-day