ગુજરાતમાં ફાગણમાં અષાઢી માહોલ

18 March, 2023 10:24 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ક્યાંક કરા સાથે તો ક્યાંક ગાજવીજ અને પવન સાથે પડ્યો કમોસમી વરસાદ, ખેતરમાં ઊભા પાક પર વરસાદનાં પાણી ફરી વળ્યાં, ઘઉં, ચણા, મકાઈના પાકને નુકસાન, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

વડોદરા શહેરમાં ગઈ કાલે કમોસમી વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં ફાગણ મહિનામાં અષાઢી માહોલ છવાઈ ગયો હોય એમ છેલ્લા કેટલાક દિવસથી ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ પડી રહ્યો છે. ક્યાંક કરા સાથે તો ક્યાંક ગાજવીજ અને પવન સાથે વરસાદ પડતાં ખેતરોમાં ઊભા પાક પર વરસાદનાં પાણી ફરી વળ્યાં હતાં; જેને પગલે ઘઉં, ચણા, મકાઈના પાકને નુકસાન થવાની ભીતિ હોવાથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.

વડોદરા શહેરમાં ગઈ કાલે બપોરે અચાનક વાતાવરણ પલટાયું હતું અને શહેરીજનો કાંઈ સમજે એ પહેલાં પવન અને ગજવીજ સાથે અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરના સયાજીગંજ, રાવપુરા, અલકાપુરી, ફતેગંજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ગોરવા અને ગોત્રીમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. વડોદરા જિલ્લાના પાદરા અને કરજણ પંથકમાં પણ વરસાદ પડ્યો હતો.

બીજી તરફ અરવલ્લી જિલ્લાના મોડાસા, ભીલોડા, માલપુર સહિતના પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો, એમાં પણ માલપુરમાં તો નગરમાં વરસાદનાં પાણી ફરી વળ્યાં હતાં. ભરૂચ જિલ્લામાં પણ કરા સાથે વરસાદ પડ્યો હતો. મહીસાગર જિલ્લામાં સંતરામપુર, સૌરાષ્ટ્રમાં કેશોદ વિસ્તારમાં, ડાંગના આહવા અને સુબીર, પંચમહાલના ઘોઘંબા, નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડિયાપાડા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. દાહોદ જિલ્લાના લીમખેડા, સંજેલી, ફતેપુરા, દેવગઢબારિયા અને ઝાલોદમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ગઈ કાલે સાંજે ૪ વાગ્યા સુધી ગુજરાતના ૧૫ તાલુકામાં એક મિમીથી અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

gujarat gujarat news ahmedabad