દીકરીને બંદૂકે દેજો, પણ ધંધુકે ન દેતા આ કહેવત કઈ રીતે ભૂંસી કેશુબાપાએ?

30 October, 2020 01:23 PM IST  |  Mumbai | Shailesh Nayak

દીકરીને બંદૂકે દેજો, પણ ધંધુકે ન દેતા આ કહેવત કઈ રીતે ભૂંસી કેશુબાપાએ?

ધંધુકામાં પીવાનું પાણી પહોંચાડીને જાહેરમાં મહિલાઓને કેશુભાઈ પટેલે પાણી ભરેલા ઘડા આપીને કડવી કહેવતને ભૂંસી નાખી હતી. વર્ષ ૨૦૦૦ની આ તસવીરમાં કેશુભાઈ પટેલ, ભરત પંડ્યા સહિત બીજેપીના આગેવાનો

છેવાડાના માનવીની હરહંમેશ ફિકર કરતા એ સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે ૨૦૦૦ની સાલમાં ધંધુકામાં મહિલાઓને પાણી ભરેલા ઘડા આપીને કાયમ માટે એ કડવી કહેવત જે લખતાં ખચકાટ થાય એ ‘દીકરીને બંદૂકે દેજો, પણ ધંધુકે ન દેતા’ ધંધુકા પંથકમાંથી ભૂંસી નાખી હતી એટલું જ નહીં, ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા બાદ કેશુભાઈ પટેલે ગામડાંઓના વિકાસ માટે ગોકુળગામ યોજના થકી ગુજરાતનાં ગામડાંઓની કાયાપલટ કરવા કમર કસી હતી. નર્મદાનાં પાણી સૌરાષ્ટ્રની તરસી ધરતી સુધી પહોંચાડનાર કેશુબાપાને આજે પાણી પીતી વખતે સૌરાષ્ટ્રના હજારો ગામડાંઓના નાગરિકો યાદ કરતા હશે.

૧૯૯૮ના અરસામાં પીવાનું પાણી મેળવવા માટે ધંધુકા પંથકના નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા એ સમયે કેશુભાઈ પટેલે કેવી રીતે પાણીની મુશ્કેલી દૂર કરી એની વાત કરતાં ગુજરાત બીજેપીના પ્રદેશ પ્રવક્તા અને એ સમયના ધંધુકાના વિધાનસભ્ય ભરત પંડ્યાએ કેશુબાપાને શ્રદ્ધાંજલિ અર્પીને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૯૯૮ પહેલાં અમે કેશુબાપાને ખાલી ઘડો આપીને કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે આપ અમને પાણી ભરેલો ઘડો આપો. ૧૯૯૮માં ધંધુકાના વિધાનસભ્ય તરીકે ચૂંટાયા પછી મેં ગુજરાત વિધાનસભામાં ‘દીકરીને બંદૂકે દેજો પણ ધંધુકે ન દેતા’ કહેવત ટાંકીને અમારા વિસ્તારમાં પાણીની સ્થિતિની રજૂઆત કરી હતી. વિકટ પરિસ્થિતિ પામી જઈને કેશુબાપાએ ૨૦૦૦ની સાલમાં નર્મદા યોજનાની પાઇપલાઇન શરૂ કરી. મહી પરીએજમાં નર્મદાનું પાણી નાખવામાં આવ્યું અને પાઇપલાઇન દ્વારા આ પાણી પીપળીથી નાવડા અને ત્યાંથી ધંધુકા પાણી આવ્યું હતું. પહેલી યોજના અમારા ધંધુકા પંથક માટે શરૂ થઈ હતી. પાણી આવી જતાં કહેવતનાં બૅનરો પર ચોકડી લગાવીને લખ્યું હતું કે હવે આ કહેવત પૂરી થાય છે. ધંધુકા પંથકમાં પાણી આવતાં ૨૦૦૦ની સાલમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેશુભાઈ પટેલ ધંધુકા આવ્યા હતા અને મારાં મમ્મી, ૧૦૨ વર્ષનાં માજી, ૯ પરિણીતાઓને પાણી ભરેલા ઘડા કેશુભાઈ પટેલે આપ્યા હતા. અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા અને આ કહેવતને દૂર કરવા માટે કેશુભાઈ પટેલે અમારી લાગણીને વાચા આપીને યોજના દ્વારા નર્મદાનું પાણી પહોંચતું કર્યું હતું.’

ગુજરાતમાં બીજેપીને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ ગુજરાતમાં બીજેપીના પ્રથમ મુખ્ય પ્રધાન બનનાર કેશુભાઈ પટેલે ગામડાંઓની કાયાપલટ કરવા માટે મૂકેલી યોજનાની વાત કરતાં ગુજરાત બીજેપીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘કેશુબાપાએ ૧૯૫૨થી ગ્રામીણ નેતા તરીકે નેતૃત્વ પૂરું પાડ્યું છે. દાગ વગર જાહેર જીવન વિતાવ્યું છે. તેમના જવાથી ગુજરાતને મોટી ખોટ પડી છે. તેઓ મુખ્ય પ્રધાન બન્યા ત્યારે ગોકુળ ગામ યોજના અમલમાં મૂકી હતી. ગામના ધૂળિયા રસ્તા પાકા કરવા, આરસીસીના રોડ બનાવવા, પીવાના પાણીની વ્યવસ્થા, સૅનિટેશનની વ્યવસ્થા સહિત ગામડાંઓને સારી સુવિધા પૂરી પાડવા માટે ગોકુળ ગામની યોજના શરૂ કરી હતી. આ યોજના મૉડલ યોજના બની હતી. ગોકુળ ગામ યોજના માટે તેમણે વિદેશ જઈને ફાળો એકઠો કર્યો હતો.’

એ જમાનામાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા કેશુબાપાની દૂરંદેશીને યાદ કરતાં ગોરધન ઝડફિયાએ કહ્યું હતું કે ‘કેશુભાઈ પટેલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જળ સમસ્યાનું નિરાકરણ કર્યું હતું. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની તકલીફ હતી ત્યાં ચેક ડૅમ બનાવ્યા હતા. આજે સૌરાષ્ટ્રનાં સાડાચાર હજાર ગામડાંઓ તેમને યાદ કરશે. આ ગામડાંઓમાં પાણી પેટાળમાં જતાં રહ્યાં હતાં ત્યારે દોઢ લાખ જેટલા ચેક ડૅમ બનાવ્યા હતા અને પાણીનાં તળ ઊંચાં લાવ્યા હતા. કલ્પના ન કરી હોય એવાં કામ કેશુબાપાએ કર્યાં છે. ૭૫૦ કિલોમીટર દૂરથી નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં આવે? સાડાપાંચ લાખ કિલોમીટર પીવાના પાણીની લાઇનનું નેટવર્ક કેશુબાપાના કારણે આવ્યું. એશિયાની આ સૌથી મોટી પીવાના પાણીની લાઇન નર્મદામાંથી નાખી હતી.’

કેશુભાઈ પટેલ સાથે વર્ષોથી રહેલા ગોરધન ઝડફિયાએ કેશુબાપાની શીખને યાદ કરતાં કહ્યું હતું કે ‘કેશુબાપા અમને કાર્યકરોને કાયમ કહેતા હતા કે ‘જાહેર જીવન તલવારની ધાર જેવું છે, લપસણી સીડી છે એટલે કઠેડો પકડી રાખજો.’ કેશુબાપાએ ગુજરાતના હિતને હૈયે રાખ્યું છે. અમારા જેવા અનેક કાર્યકરોને રાજકીય ફલક પર લાવવામાં તેમનો બહુ મોટો ફાળો છે.’

gujarat Gujarat BJP shailesh nayak