હાસ્યકલાકાર અને લોકકલાકાર સાંઈરામ દવેનાં માતુશ્રીનું અવસાન

27 November, 2023 09:35 AM IST  |  Rajkot | Rashmin Shah

હજી થોડા સમય પહેલાં જ સાંઈરામ દવેએ પોતાની કૉલમમાં લખ્યું હતું કે તેને મળેલી સેન્સ ઑફ હ્યુમર એ માતાનો વારસો છે

સરોજબહેન દવે

જાણીતા હાસ્યકલાકાર, લોકકલાકાર, કેળવણીકાર અને ‘મિડ-ડે’ના કૉલમનિસ્ટ સાંઈરામ દવેનાં માતુશ્રી સરોજબહેન દવેનું ગઈ કાલે વહેલી સવારે નાદુરસ્ત તબિયતને કારણે રાજકોટમાં દેહાંત થયું છે. સરોજબહેનની ઉંમર સિત્તેર વર્ષની હતી. છેલ્લા થોડા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. સરોજબહેનના ત્રણ દીકરાઓ, જે પૈકી સૌથી મોટા સાંઈરામ દવે તો બીજા નંબરે કિશન દવે અને ત્રીજા નંબરે નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમના સંચાલક અમિત દવે છે. આજે પણ ત્રણેય ભાઈઓ સંયુક્ત કુટુંબમાં એક જ ઘરમાં રહે છે એની પાછળ સરોજબહેન અને પિતાશ્રી વિષ્ણુપ્રસાદ દવેના સંસ્કારો જવાબદાર છે એવું સાંઈરામ દવે અનેક વખત જાહેરમાં કહી ચૂક્યા છે. થોડા સમય પહેલાં સાંઈરામ દવેએ પોતાની જ કૉલમમાં લખેલા એક લેખમાં કહ્યું હતું કે તેમને મળેલી સેન્સ ઑફ હ્યુમર એ મમ્મીનો વારસો છે.

સાંઈરામ દવેએ કહ્યું હતું કે ‘પિતા વિનાનું બાળક એકલું હોય અને મા વિનાનું બાળક અધૂરું હોય. આજે આટલાં વર્ષે અમે અધૂરા થઈ ગયા. મા વિનાનો ખાલીપો આવતા દિવસોમાં કેવો આક્રમક બનશે એ હું શબ્દોમાં ક્યારેય વર્ણવી શકીશ નહીં; પણ હા, હું એટલું ચોક્કસ કહીશ કે હવે જ્યારે મારી વાત પર લોકો હસશે ત્યારે હું મનોમન સ્મિત કરીશ કે મારી મા પાસેથી મળેલો વારસો હું આગળ ધપાવી રહ્યો છું.’

એક એવી સ્કૂલ હોવી જોઈએ જ્યાં માત્ર ભણતર નહીં, પણ ભણતરની સાથે ગણતર પણ પૂરતા પ્રમાણમાં મળે. એક એવી સ્કૂલ હોવી જોઈએ જ્યાં માત્ર શિક્ષણ નહીં, પણ શિક્ષણની સાથે બાળકને સંસ્કાર પણ પૂરતા પ્રમાણમાં મળવા જોઈએ. સરોજબહેન દવેના આ જ વિચારને મૂર્તિમંત કરતાં તેમના ત્રણ દીકરાઓએ નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમનું પ્લાનિંગ કર્યું જે સ્કૂલ આજે ગુજરાતી શ્રેષ્ઠ સ્કૂલ પૈકીની એક ગણાય છે.  

celebrity death rajkot jamnagar gujarati community news gujarat gujarat news Rashmin Shah