US: આ ગુજરાતી યુવતીએ અનેક યુવાનોને આપી 'દિશા'

22 January, 2019 09:24 AM IST  |  | ધ્રુવા જેટલી

US: આ ગુજરાતી યુવતીએ અનેક યુવાનોને આપી 'દિશા'

'કાશ મને કોલેજ સમયમાં તમારા જેવું કોઈ મેન્ટોર મળ્યું હોત!' એક ઇન્ટરર્નના મોંઢામાંથી આ વાત સાંભળીને ગુજરાતની આ યુવતીને વિચાર આવ્યો કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તેમના ઇચ્છિત કરિયર માટે ગાઇડન્સ આપીને તેમને કોર્પોરેટ વર્લ્ડ માટે તૈયાર કરવામાં આવે તો કેમ! બસ આ વિચારે જ તેની સમક્ષ એક નવી જ દિશા ખોલી નાખી. વાત છે અમેરિકાના સિએટલમાં રહેતી ગુજરાતી યુવતી ઊર્જા ગાંધીની. આ અમદાવાદી યુવતી સિએટલમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર છે. મોટી ટેક્નોલોજી મલ્ટીનેશનલ કંપનીઓ જેવી કે ટેક મહિન્દ્રા, માઇક્રોસોફ્ટ અને એક્પિડિયામાં તેને કામ કરવાનો 10 વર્ષનો અનુભવ છે. તેણે શાળાકીય શિક્ષણ ગાંધીનગરથી લીધું છે અને સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ઊર્જાને આ વર્ષે સિએટલમાં યોજાયેલા 'રેવિશિંગ વિમેન ફેસ્ટિવલ 2018'માં 'લીડરશીપ વિમેન ઇન ટેક્નોલોજી'નો એવોર્ડ મળ્યો છે. રેવિશિંગ વિમેન એ સ્ત્રીઓના પ્રયત્નો અને તેમની સિદ્ધિઓને બિરદાવવા માટેનું એક ખૂબ મોટું પ્લેટફોર્મ છે.

ઉર્જા ગાંધીઃ રેવિશિંગ વુમન-2018

ઉર્જા ગાંધી તેની જ કંપનીમાં કામ કરતા એક સોફ્ટવેર ડેવલપર સ્ટુડન્ટની મેન્ટોર હતી. આ જ સ્ટુડન્ટે ઊર્જાને કહ્યું હતું કે, કાશ મને કોલેજ સમયમાં તમારા જેવું કોઇ મેન્ટર મળ્યું હોત. ઊર્જાએ જ્યારે યુનિવર્સિટી અને ટેક્નોલોજી વર્ક ઇન્ડસ્ટ્રી વચ્ચે આ ગેપ જોયો તો તેણે તેમાં વિદ્યાર્થીઓ માટે પરિવર્તન લાવવાનું વિચાર્યું. જાન્યુઆરી 2018માં તેણે યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં 'હસ્કી ટેક ઇન્ડસ્ટ્રી મેન્ટોરશિપ પ્રોગ્રામ' શરૂ કર્યો ,જેથી વિદ્યાર્થીઓને તેમના ટેક્નોલોજી કરિયરમાં મદદ મળી શકે.

આ માટે તે UW Husky Tech કંપનીના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટને મળી અને તેમની સાથે કેટલાંક આઇડિયા પર ચર્ચા કરી. બાદમાં તેમણે આ પ્રોગ્રામ માટે સિએટલની વિવિધ ટેક્નોલોજી કંપનીઓ  માઇક્રોસોફ્ટ, એક્સપિડિયા, ગૂગલ, એમેઝોન અને નાના બિઝનેસ સ્ટાર્ટઅપ્સના 25 કરતાં વધુ ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સને તૈયાર કર્યા અને 100 કરતાં પણ વધુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સને તેમના એસ્પાયરિંગ કરિયર માટે તૈયાર કર્યાં. હવે તેમનું આગામી લક્ષ્ય 60 કરતા વધુ ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સને આ પ્રોગ્રામ સાથે જોડીને 200 જેટલા વિદ્યાર્થીઓને તેમની કરિયરમાં સફળ બનાવવાનું છે.

ઊર્જા હવે UW Husky Techની ઇન્ડસ્ટ્રી એડવાઈઝર અને મેન્ટોર છે. તે કંપનીને સિએટલની વિવિધ ટેક્નોલોજી કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરાવી આપવામાં મદદ કરે છે અને વિદ્યાર્થીઓને તેમના કરિયરમાં સફળ બનવા માટે પોતાની સલાહ અને માર્ગદર્શન આપે છે. તેણે 50 જેટલી હાઈસ્કૂલ અને કોલેજની યુવાન છોકરીઓને વિવિધ પ્રોગ્રામ્સ દ્વારા સફળતા અપાવી છે. ઊર્જા કહે છે, મારે દરેક વિદ્યાર્થીને“I wish” (મારી ઇચ્છા છે)નું વાક્ય બદલીને “I’m glad” (હું ખૂબ ખુશ છું) સુધીની સ્થિતિમાં પહોંચાડવા છે.

એક સેમિનાર દરમિયાન ઉર્જા ગાંધી

આ ઉપરાંત, ઊર્જા એ સ્ત્રીઓની પણ મદદ કરે છે જેઓ કરિયર બ્રેક લીધા પછી ફરીથી કામ શરૂ કરવા માંગતી હોય પણ ફરી શરૂઆત કરવામાં મુશ્કેલી આવતી હોય. આ માટે જુલાઈ 2018માં સિએટલમાં ઊર્જાએ 'દિશા - ધ મલ્ટિફેસેટેડ શી'ની એમ્બેસેડર તરીકે 'દિશા' નામનો એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો. તે હેઠળ તેણે પહેલી ઇવેન્ટ USAમાં લોન્ચ કરી, જેને નામ આપ્યું, 'She inspires me' (તેણી મને પ્રેરણા આપે છે). આ પ્રોજેક્ટે રેવિશિંગ વિમેન ઇન્કોર્પોરેશન સાથે પાર્ટનરશિપ કરી છે. જેમાં રેવિશિંગ વિમેનના ફાઉન્ડર મેનકા સોનીને આમંત્રિત કરવામાં આવ્યા.

આ ઇવેન્ટમાં વિવિધ ક્ષેત્રોમાં, ઓર્ગેનાઇઝેશન્સમાં અને સમાજના વિવિધ સ્તરે કામ કરતી સ્ત્રીઓ એક જ પ્લેટફોર્મ પર એકઠી થઈ હતી અને તેમણે પોતાની પ્રેરણાદાયી વાતો શેર કરી હતી. આ ઇવેન્ટમાં ઊર્જાને દિશા, સિએટલ USAની એમ્બેસેડર જાહેર કરવામાં આવી. આ ઇવેન્ટનું નેતૃત્વ પણ ઊર્જાએ જ કર્યું હતું. પ્રોજેક્ટ 'દિશા'ને ઇન્ટ્રોડ્યુસ કરતાં ઊર્જાએ સમાજમાં જેન્ડર ડાયવર્સિટીમાં સુધાર લાવવા પર ભાર મૂક્યો હતો. આ ઇવેન્ટમાં ઊર્જાના સૌથી મોટાં પ્રેરણાસ્ત્રોત એવાં તેના માતા-પિતા પણ હાજર હતાં. તેનો પતિ મૌક્તિક ગાંધી, જે પોતે પણ એક સોફ્ટવેર પ્રોફેશનલ છે, તે પણ ઊર્જાને તેના કામ માટે સતત સપોર્ટ કરે છે અને તેને મોટિવેટ કરે છે.

વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહેલા ઉર્જા ગાંધી

બોપલમાં રહેતા ઊર્જાના માતા-પિતા જણાવે છે કે, 'ઊર્જા નાની હતી ત્યારથી જ અન્યોને મદદ કરવાની તેની હંમેશાં તત્પરતા રહેતી. આજે પણ તેની એ જ તત્પરતા કાયમ છે અને નોકરી કરવાની સાથે-સાથે સમાજને મદદરૂપ થવાના અને લોકોને આગળ લાવવાના કાર્યો તે કરતી રહે છે, જે જોઈને અમને આનંદ અને ગૌરવની લાગણી અનુભવાય છે.' ઊર્જા તેના માતા-પિતા વિશે કહે છે કે, 'તેઓ તેના જીવનમાં સૌથી મહત્વના માર્ગદર્શક છે અને હંમેશાં તેને સપોર્ટ કરે છે.'

આ ઇવેન્ટમાં 'દિશા- ધ મલ્ટિફેસેટેડ શી' ઉપર એક નાની ડોક્યુમેન્ટ્રી પણ દર્શાવવામાં આવી. ઇવેન્ટમાં આવેલ દરેક મહેમાન પોતાની સાથે એક પ્રેરણા લઈને ગયા. આ પ્રોજેક્ટ શરૂ કરવા પાછળ ઊર્જાનો હેતુ હતો કે સ્ત્રીઓ પોતાની આંતરિક શક્તિઓને સમજે અને પોતાની અટકી ગયેલી કરિયરમાં આગળ વધે.

પોતાના વતનથી હજ્જારો કિલોમીટર દૂર રહીને ઉર્જા હજારો યુવાન-યુવતીઓના ભવિષ્યને દિશા બતાવી રહી છે. તો સંખ્યાબંધ મહિલાઓ માટે પણ ઉર્જા ગાંધી માર્ગદર્શક બની છે. આજે જુદી જુદી કંપનીઓમાં ઉંચી ઉંચી પોસ્ટ પર એવા ઘણા બધા લોકો છે, જેમની કરિયર ઉર્જાએ બનાવી છે. પોતાના વતનથી દૂર ઉર્જા એક અન્ય ઉર્જાથી કામ કરીને ગૌરવવંતી ગુજરાતી સાબિત થઈ રહી છે.

gujarat