૮ જિલ્લાઓમાં ૯૬૭૬થી વધુ કિલોમીટરની નર્મદાની નહેરો બનાવવાનાં કામ બાકી

21 July, 2019 11:55 AM IST  |  ગાંધીનગર

૮ જિલ્લાઓમાં ૯૬૭૬થી વધુ કિલોમીટરની નર્મદાની નહેરો બનાવવાનાં કામ બાકી

જિલ્લાઓમાં ૯૬૭૬થી વધુ કિલોમીટરની નર્મદાની નહેરો બનાવવાનાં કામ બાકી

ગુજરાતની જીવાદોરી નર્મદા નદીનાં પાણી ગુજરાતમાં છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવા ગુજરાત સરકારે કમર કસી છે ત્યારે ગુજરાતમાં ૮ જિલ્લાઓમાં હજી પણ ૯૬૭૬.૮૨૩ કિલોમીટર નર્મદાની નહેરો બનાવવાનું કામ બાકી હોવાનું ખુદ ગુજરાત સરકારે જાહેર કર્યું છે. એમાં પણ કચ્છમાં શાખા નહેરો સહિતની ૨૪૩૨.૬૩ કિલોમીટરની નહેરો બનાવવાની બાકી છે.

કૉન્ગ્રેસના જુદા-જુદા વિધાનસભ્યોએ ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં નર્મદા નહેરની કયા પ્રકારની, કેટલા કિલોમીટરની નેટવર્કની કામગીરી કરવાની બાકી છે એવા પૂછેલા પ્રશ્નના જવાબમાં ગુજરાત સરકારના નર્મદા વિભાગે જાહેર કરેલી વિગતો પ્રમાણે અમદાવાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને ખેડા જિલ્લામાં નર્મદા નહેરની નેટવર્કની કામગીરી બાકી છે. એમાં પાટણ જિલ્લામાં વિશાખા નહેરો, પ્રશાખા નહેરો (માઇનર અને સબમાઇનર) મળીને કુલ ૨૨૬.૯૦ કિલોમીટરની નહેરનાં કામ બાકી છે.

બનાસકાંઠામાં પણ વિશાખા નહેરો અને પ્રશાખા (માઇનર અને સબમાઇનર) મળીને ૪૧૬.૯૮ કિલોમીટરનાં કામ, મોરબી જિલ્લામાં જુદી-જુદી નહેરોના ૧૫૪૭.૮૬ કિલોમીટરનાં કામ, મહેસાણા જિલ્લામાં ૧૭૨.૪૩૦ કિલોમીટરનાં કામ, અમદાવાદ જિલ્લામાં ૧૮૬૦થી વધુ કિલોમીટરનાં કામ, સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૯૨૬.૭૫૪ કિલોમીટરના કામ અને ખેડા જિલ્લામાં ૯૩.૨૬૯ કિલોમીટરની નર્મદા નહેરની કામગીરી હજી બાકી છે.

gujarat Vijay Rupani