ગુજરાતમાં ફરી કાતિલ ઠંડી પડે એવી સંભાવના

25 December, 2020 01:04 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં ફરી કાતિલ ઠંડી પડે એવી સંભાવના

પ્રતીકાત્મક તસવીર

ફરી એક વાર રાજ્યભરમાં કાતિલ ઠંડીના ચમકારા માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે, જેના કારણે દરિયામાં મોટો કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે માછીમારો માટે અલર્ટ જાહેર કર્યું છે, જેમાં રાજ્યના નાના-મોટા તમામ માછીમારોને દક્ષિણ અરબી સમુદ્રમાં ન જવા સૂચના આપી દેવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બે દિવસ તાપમાન રહેશે એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી ૨૮ અને ૨૯ ડિસેમ્બરે ગુજરાતમાં કાતિલ ઠંડી વધશે, જેથી લોકોને ફરી એક વાર કાતિલ ઠંડીનો સામનો કરવા માટે જણાવ્યું છે.

૧૩ શહેરોમાં તાપમાન ૧૩ ડિગ્રીથી નીચે જઈ શકવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ ૭.૮ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે. જ્યારે અન્ય શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં ૯.૮, અમદાવાદમાં ૧૧.૮, ડીસામાં ૧૧.૨, કંડલા ઍરપોર્ટ ૧૧.૫ ડિગ્રી, ભુજમાં ૧૨.૪, પોરબંદરમાં ૧૨.૧, રાજકોટ ૧૨.૫, વડોદરામાં ૧૩ ડિગ્રી તાપમાન રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી ૨૫ ડિસેમ્બર બાદ ઠંડી વધવાની સંભાવના સેવવામાં આવી છે. આગામી ૨૪ કલાકમાં નલિયામાં શીતલહેર રહેશે.

૭ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહેશે. ખાસ કરીને રાજ્યભરમાં ૨૮ અને ૨૯ ડિસેમ્બરે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોરદાર રહેવાની સંભાવના છે. ૧૩ શહેરોમાં તાપમાન ૧૩ ડિગ્રીથી નીચે જશે. ગાંધીનગરમાં ૮.૫ ડિગ્રી તાપમાન છે. આગાહી પ્રમાણે ઠંડીનો પારો નલિયા, ડીસા, સુરેન્દ્રનગરમાં નીચે ઊતરી શકે છે. રાજ્યના તાપમાનમાં આગામી બે દિવસ સુધી કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યાર બાદ ૨૫ ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થવાની આગાહી છે.

gujarat gandhinagar