ગુજરાતમાં મોદી સરકારનાં આઠ વર્ષની થશે ઉજવણી 

24 May, 2022 12:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક પખવાડિયા સુધી દરેક જિલ્લામાં કાર્યક્રમ સંગઠન અને સરકાર દ્વારા થશે, કેન્દ્ર સરકારની સિદ્ધિઓને લોકો સુધી લઈ જવા માટે આયોજન 

વડાપ્રધાન મોદી

અમદાવાદ ઃ આગામી ૩૦ મેએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને આઠ વર્ષ પૂરાં થવા જઈ રહ્યાં છે ત્યારે ગુજરાતમાં એક પખવાડિયા સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું છે. 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં આવી રહી છે ત્યારે ગુજરાત બીજેપીની ગઈ કાલે મળેલી કારોબારીની બેઠકમાં ચૂંટણીલક્ષી કવાયત હાથ ધરાઈ હતી. કારોબારીની આ બેઠકમાં કેન્દ્રમાં રહેલી નરેન્દ્ર મોદી સરકારનાં આઠ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે એના સંદર્ભમાં ચર્ચા હાથ ધરીને કેન્દ્ર સરકારની સિદ્ધિઓને લોકો સુધી લઈ જવા માટે આયોજન હાથ ધરાયું છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના દરેક જિલ્લામાં અલગ-અલગ કાર્યક્રમ સંગઠન અને સરકાર દ્વારા થશે. જે. પી. નડ્ડા દ્વારા સિદ્ધિઓના પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. ૩૧ મેએ દેશમાં વડા પ્રધાન કિસાન સન્માન નિધિનો કાર્યક્રમ યોજાશે, જેમાં ટેક્નૉલૉજીના માધ્યમથી વડા પ્રધાન મોદી સંબોધન કરશે.
પાંચમી તારીખથી બીજેપીના તમામ મોરચાઓ અલગ-અલગ શક્તિકેન્દ્ર અને બૂથ સુધી જશે. એ દરમ્યાન ૭૫ કલાક સુધી કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોની વચ્ચે જઈને કેન્દ્ર સરકારનાં આઠ વર્ષની સિદ્ધિઓની વાત કરશે. ગુજરાત બીજેપીની પ્રદેશ કારોબારીની મળેલી બેઠકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિસ્તારક યોજના અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતની ૧૮૨ વિધાનસભામાં આ વિસ્તારકો પહોંચશે. પેજ સમિતિના સભ્યોને મળીને બૂથમાં રહેલા કી-વોટર્સનો સંપર્ક કરવામાં આવશે અને સરકારની માહિતી મતદારો સુધી પહોંચાડશે.

national news narendra modi