મહાશિવરાત્રિમાં સોમનાથ મંદિરે 42 કલાક દર્શન થશે, રંગમહોત્સવ યોજાશે

12 February, 2020 12:46 PM IST  |  Veraval

મહાશિવરાત્રિમાં સોમનાથ મંદિરે 42 કલાક દર્શન થશે, રંગમહોત્સવ યોજાશે

સોમનાથ

મહાશિવરાત્રિને આડે થોડા દિવસોની વાર છે ત્યારે જૂનાગઢની સાથે સોમનાથમાં પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શિવરાત્રિ દરમિયાન મંદિર ૪૨ કલાક સુધી ખુલ્લું રહેશે અને ભક્તો મહાદેવનાં દર્શન કરી શકશે. ભોળાનાથના મહાપર્વ મહાશિવરાત્રિ અંગે ભારતનાં બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર છે. ત્યારે મહાશિવરાત્રિને લઈ સચિવ પ્રવીણ લહેરી તથા જનરલ મૅનેજર વિજયસિંહ ચાવડા દ્વારા વિવિધ આયોજનો કરાઈ રહ્યાં છે જેમાં શિવપર્વનો પ્રારંભ ૨૦ ફેબ્રુઆરીથી ૨૩ ફેબ્રુઆરી સુધી સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં અખિલ ભારતીય કલા સંસ્થા સંસ્કાર ભારતી ઉપક્રમે ત્રિદિવસીય રાષ્ટ્રીય લોકરંગ મહોત્સવ યોજાશે.

એમાં ભારતનાં ૨૯ રાજ્યોના ૬૩૦ જેટલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત લોકકલાકારો લોકસંસ્કૃતિની વિવિધ કૃતિઓ રજૂ કરશે. તા. ૨૦થી સતત ૭૨ કલાક ચાલનારો આ મહોત્સવ સોમનાથના આંગણે યોજાશે. સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રિએ સવારે ૪ વાગ્યે ખૂલશે અને તા. ૨૨ ફેબ્રુઆરીએ રાત્રે દસ વાગ્યે દર્શન બંધ થશે. એટલે કે મંદિર દર્શનાર્થીઓ માટે સતત ૪૨ કલાક ખુલ્લું રહેશે. મહાશિવરાત્રિએ સોમનાથ મહાદેવ મંદિર ધ્વજારોહણ, ચાર પ્રહર પૂજા, મહામૃત્યુંજય જાપ, અનુષ્ઠાનો અને સંધ્યા શણગાર તથા સોમનાથ મહાદેવની પાલખી સાથેની શોભાયાત્રા, ધૂન, ભજન અને વેદમંત્રો સાથે સોમનાથ મહાદેવ મંદિરની પ્રદક્ષિણા કરશે. સમગ્ર સોમનાથ મંદિરને ફૂલોના શણગારથી સુશોભિત કરાશે.

gujarat veraval