20 June, 2026 11:21 AM IST | Vadodara | Gujarati Mid-day Correspondent
વડોદરાનાં ૧૫ જેટલાં પોલીસ-સ્ટેશન દ્વારા દારૂનો આ જથ્થો અલગ-અલગ સમયે પકડવામાં આવ્યો હતો
સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં પોલીસે પકડેલા ૪ કરોડ રૂપિયાથી વધુના દારૂની ૧.૩૩ લાખથી વધુ બૉટલો પર રોડરોલર ફેરવીને એનો નાશ કરવામાં આવ્યો હતો.
વડોદરાના ઝોન વનના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) જે. એમ. ચાવડાએ મીડિયાને કહ્યું હતું કે ‘સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત અભિયાન અંતર્ગત વડોદરા શહેર પણ સ્વચ્છ બને એ અભિયાનના ભાગરૂપે જવાહરનગર પોલીસ-સ્ટેશનના કોયલી ખાતે શહેરના ઝોન વન, ઝોન થ્રી અને ઝોન ફોરમાંથી પકડાયેલા વિદેશી દારૂના મુદ્દામાલની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ-સ્ટેશનમાં મુદ્દામાલ મૂકવાના ઘણાબધા પ્રશ્નો હોય છે એટલે અધિકારીઓએ કોર્ટનો અપ્રોચ કરતાં કોર્ટ દ્વારા મુદ્દામાલ નાશ કરવાનો હુકમ આવ્યા પછી ૨૦૨૫-’૨૬ના ૩૧૩ કેસમાં ઝડપાયેલી ૧,૩૩,૯૦૯ બૉટલ જેની કિંમત ૪,૦૧,૭૦,૦૫૧ રૂપિયા થાય છે એનો નાશ કરવામાં આવ્યો હતો.’