નારાજ મધુ શ્રીવાસ્તવએ પત્રકારોને અશ્લીલ શબ્દો કહી કૅમેરા ખેંચ્યા

25 January, 2020 12:01 PM IST  |  Vadodara

નારાજ મધુ શ્રીવાસ્તવએ પત્રકારોને અશ્લીલ શબ્દો કહી કૅમેરા ખેંચ્યા

મધુ શ્રીવાસ્તવ

વડોદરા બીજેપીના ધારાસભ્ય કેતન ઇનામદારની નારાજગીને બીજેપી માંડ પહોંચી વળ્યો હતો ત્યાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે નારાજગી વ્યક્ત કરી છે. મધુ શ્રીવાસ્તવે સરકારના મહેસૂલ વિભાગનાં કામો ન થતાં હોવાની રાવ નાખીને પત્રકારો સામે પોતાની નારાજગી દર્શાવી છે. ભારતીય જનતા પાર્ટી માટે મધુ શ્રીવાસ્તવની નારાજગી નવો પડકાર ઊભો કરી શકે છે. શ્રીવાસ્તવ વાઘોડિયા વિધાનસભા પરથી છઠ્ઠી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. મધુ શ્રીવાસ્તવ અગાઉ પણ નારાજ હતા અને કેતન ઇનામદાર સાથે સરકાર સામે મોરચો ખોલી બેઠા હતા.

મધુ શ્રીવાસ્તવ મીડિયા કર્મચારીઓ પર ગુસ્સે થઈ ગયા હતા અને ધક્કો મારીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને પત્રકારોને મા-બહેનની ગંદી ગાળો દઈ કૅમેરા ખેંચ્યા હતા. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવમાં હનુમાનજી મંદિરના કામ માટે પાલિકા અને કલેક્ટરે મંજૂરી આપ્યા બાદ મહેસૂલ વિભાગમાં ફાઇલ અટવાઈ જતાં મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે. મીડિયા કર્મચારીઓએ તેમના પર સવાલોનો મારો કરતાં તેઓ મીડિયા કર્મચારીઓ પર ગુસ્સે થયા હતા. કૉન્ગ્રેસે હનુમાન મંદિર ગેરકાયદે બનતું હોવા અંગેનો સવાલ મીડિયા કર્મચારીઓએ મધુ શ્રીવાસ્તવને કરતાં તેમણે મીડિયા કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી હતી.

મધુ શ્રીવાસ્તવે પત્રકારોને જણાવ્યું, ‘લોકો ચૂંટાયેલા પ્રતિનિધિને પોતાના મતવિસ્તારનાં કામો માટે લઈ જાય છે એ થાય છે અને નથી પણ થતાં. શહેરના મહાદેવ તળાવ વિસ્તારમાં મેં બજરંગબલીની સ્ટીલની મૂર્તિ મૂકવાનો નિર્ધાર કર્યો છે. મેં કૉન્ટ્રૅક્ટરને પણ પૈસા ચૂકવ્યા છે. મૂર્તિના ૮૦ લાખ રૂપિયા પણ ચૂકવી દીધા છે. મારું ૪૦ ટકા કામ થઈ ગયું છે. વડોદરા કૉર્પોરેશન ને કલેક્ટરે મંજૂરી આપી છે. ગાંધીનગર અભિપ્રાય માટે ફાઇલ મોકલી છે. મંત્રી મને કહે છે, મંજૂરી કરી આપીશ, મંજૂરી કરી આપીશ. મેં છેલ્લે મંત્રીને કહ્યું કે મારી પોતાની ફાઇલ નથી કે સંપત્તિની ફાઇલ નથી. હું છેલ્લી વાર તમને કહેવા આવ્યો છું. તમે મંજૂર કરો કે ન કરો તો હું ધર્મનું કામ લઈને બેઠો છું, શ્વાસ ચાલશે ત્યાં સુધી ધર્મનું કામ કરીશ. તમે મંજૂર નહીં કરો તો પણ મૂર્તિ મૂકીશ. આ મધુ શ્રીવાસ્તવ છે.’

બીજેપીમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સમસ્યા, ઇનામદાર શાંત થયા ત્યાં શ્રીવાસ્તવે તલવાર કાઢી

ગુજરાત બીજેપીમાં સાવલીના નારાજ ધારાસભ્ય કેતન ઇનામદારનું રાજીનામા પ્રકરણ માંડ શાંત પડ્યું અને તેમની લાગણી કે સરકારમાં તેમની વાત કોઈ સાંભળતું નથી એનો ઉકેલ લાવવાની ખાતરી આપ્યાના ૨૪ કલાકમાં જ બીજેપીના વધુ એક સિનિયર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાની ફાઇલ પર નેગેટિવ નોંધ કરનાર ઉચ્ચ અધિકારીને જાહેરમાં લાફાવાળી કરવાની ધમકી આપતાં અને મીડિયા સાથે પણ ગેરવર્તન કરતાં બીજેપીની પ્રદેશ નેતાગીરી ફરી એક વાર શરમજનક હાલતમાં મુકાઈ ગઈ અને મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બીજેપી નેતાગીરી દ્વારા મધુ શ્રીવાસ્તવના આ વર્તનને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું હતું. આ ઉપરાંત બીજેપીના ભરૂચના પણ બે ધારાસભ્યોએ જીએનએફસી નિગમ સામે વિરોધ વ્યક્ત કર્યો છે.

વડોદરા જિલ્લાના સાવલીના બીજેપીના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાનો મામલો માંડ શાંત પડ્યો અને વડોદરાના જ વાઘોડિયાના બીજેપીના ધારાસભ્ય પોતાની જ સરકારની સામે મેદાનમાં આવ્યા અને મીડિયાની સાથે ગાળાગાળી કરીને બીજેપીના નામને બટ્ટો લગાવવાની સાથે જાહેરમાં મૂછે વળ દઈને મહેસૂલ ખાતાના એ અધિકારીને લાફા મારવાની ધમકી આપી કે જેમણે તેમના મત વિસ્તારના એક કામની ફાઇલ પર નેગેટ‌િવ નોંધ કરી છે.રાજકીય સૂત્રો કહે છે કે બીજેપીમાં નબળી નેતાગીરીને કારણે સૌને મોકળું મેદાન મળી ગયું હોય એમ સરકારનું નાક દબાવી રહ્યા છે. સાવલીના ધારાસભ્યે મારા વિસ્તારનાં કામો મારી જ સરકારમાં થતાં નથી એમ કહીને પક્ષની શિસ્તના લીરેલીરા ઉડાડ્યા છતાં એને માફ કરીને સમજાવી લેવામાં આવ્યા. નેતાગીરી ડરી ગઈ એમ માનીને વધુ એક ધારાસભ્ય કે જેઓ તેમના જાહેર વર્તન માટે વિવાદમાં રહ્યા છે એવા મધુ શ્રીવાસ્તવે તલવાર કાઢી અને સરકારનું નાક વાઢી નાખીને એ અધિકારીને જાહેરમાં માર મારવાની ખુલ્લી ધમકી આપી કે જેમણે તેમનું કામ કર્યું નથી.

gujarat vadodara Crime News