ગુજરાતમાં સવર્ણ અનામત આવતીકાલથી અમલી, બિલનો અમલ કરવામાં ગુજરાત સૌપ્રથમ

13 January, 2019 04:23 PM IST  | 

ગુજરાતમાં સવર્ણ અનામત આવતીકાલથી અમલી, બિલનો અમલ કરવામાં ગુજરાત સૌપ્રથમ

ગુજરાતમાં આવતીકાલથી સવર્ણ અનામત અમલી

કેન્દ્ર સરકારે જાહેર કરેલી આર્થિક રીતે પછાત સવર્ણો માટેની 10 ટકા અનામત આવતીકાલથી ગુજરાતમાં અમલી થઈ જશે. લોકસભા, રાજ્યસભામાં બિલ પસાર થઈ ગયા બાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. અને આવતીકાલથી સરકારની નોકરીઓમાં બિન અનામતમાં આવતા અને આર્થિક રીત નબળા વર્ગોને 10 ટકા અનામતનો લાભ મળવાનું શરૂ થઈ જશે.

રાજ્યમાં મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓની જાહેરાત થઇ હોય પરંતુ ભરતી માટેના કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઇ હોય તેને આ લાભ મળવા મળશે. આવી ભરતી અને પ્રવેશ હાલ સ્થગિત રાખીને તેમાં પણ આ 10 ટકા અનામતનો લાભ અપાશે.

ખરડાની જોગવાઈઓ શું છે?

હાલમાં આર્થિક પછાતવર્ગના નાગરિકો નાણાકીય ક્ષમતાના અભાવને કારણે આર્થિક રીતે સક્ષમ નાગરિકોની સાથે સ્પર્ધા કરી શકતા ન હોવાથી ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં સ્થાન મેળવી શકતા નથી. ખરડા દ્વારા બંધારણની ૧૫મી કલમમાં સુધારારૂપે ‘નાગરિકોના આર્થિક પછાતવર્ગના ઉત્કર્ષ માટે વિશેષ જોગવાઈઓ’ની રાજ્યોને છૂટ આપતી પેટાકલમ જોડવામાં આવશે. એ વિશેષ જોગવાઈઓ આર્થિક પછાતવર્ગના સ્ટુડન્ટ્સને લઘુમતી શિક્ષણસંસ્થાઓ સિવાયની સરકારી સહાય મેળવતી કે નહીં મેળવતી ખાનગી શિક્ષણસંસ્થાઓ સહિત શિક્ષણસંસ્થાઓમાં પ્રવેશને સંબંધિત છે. અત્યાર સુધીના નર્ધિારિત આરક્ષણ ઉપરાંત જનરલ કૅટેગરીના આર્થિક પછાતવર્ગને આરક્ષણ આપવામાં આવશે. એનું પ્રમાણ દરેક કૅટેગરીની કુલ બેઠકોમાં ૧૦ ટકા રહેશે. બંધારણની ૪૬મી કલમમાં જે નીતિવિષયક માર્ગદર્શક સિદ્ધાંતો વર્ણવવામાં આવ્યા છે એમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે જનતાના પછાતવર્ગો, ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિના પછાતવર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોની વિશેષ કાળજી રાખવાની છે. સરકારે એ વર્ગોનું સામાજિક અન્યાય અને શોષણથી પણ રક્ષણ કરવાનું છે.

gujarat