ગુજરાતમાં ૮ જૂને મંદિરો તો ખૂલી જશે, પણ બે મહિના કોઈ ઉત્સવ નહીં ઊજવાય

07 June, 2020 03:21 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં ૮ જૂને મંદિરો તો ખૂલી જશે, પણ બે મહિના કોઈ ઉત્સવ નહીં ઊજવાય

મંદિર

રાજ્યના ધાર્મિક સ્થાનોના વડાઓ સાથે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વિડિયો કૉન્ફરન્સ કરશે. મંદિર, મસ્જિદ અને ચર્ચ સહિતનાં ધાર્મિક સ્થળો ૮ જૂનથી ખુલ્લાં મુકાશે, જ્યારે આ માટેની ગાઇડલાઇન નક્કી કરવા અને ગાઇડલાઇનનો અમલ કરાવવા તથા સૂચનો માગવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અત્યારે સવારે ૧૧ વાગ્યે ગુજરાતનાં પ્રસિદ્ધ મંદિરોના વડાઓ, મહંતો, સંચાલકો સાથે કૉન્ફરન્સ કરી હતી.

ત્યારબાદ બપોરે ૧૨ વાગ્યે મસ્જિદ અને ચર્ચના વડાઓ, ઈમામ સાહેબ અને ખ્રિસ્તી પાદરીઓ સાથે વિડિયો કૉન્ફરન્સિંગ કરશે. સોમવારથી શરતોને આધીન મોલ ખૂલશે, મંદિર, મસ્જિદ, હોટેલ અને રેસ્ટોરાં સરકારની ગાઇડલાઇન અનુસાર આ બધું ખૂલી રહ્યું છે. મંદિરો અને ધાર્મિક સ્થળો ખૂલશે, પરંતુ ભાવિકોને પ્રસાદ નહીં મળે એટલું જ નહીં શ્રદ્ધાળુઓ ભગવાનને સ્પર્શ કરી નહીં શકે અને ચરણામૃત પણ નહીં લઈ શકે.
પૂજા કરતી વેળાએ ૬ ફૂટનું અંતર રાખવું પડશે. બુટ, ચપ્પલ પણ ગાડીમાં જ રાખવા પડશે. લોકોને ધાર્મિક સ્થળ, રેસ્ટોરાં અને મોલમાં છ ફૂટનું અંતર, મોઢા પર માસ્ક, સૅનિટાઇઝેશન અને થર્મલ સ્ક્રિનિંગ જેવી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ધાર્મિક સ્થળોમાં પ્રવેશદ્વાર નજીક જ સૅનિટાઈઝર રાખવું પડશે. ભાવિકો ઘંટ વગાડી નહીં શકે અને ધાર્મિક ગ્રંથને સ્પર્શ પણ નહીં કરી શકે.

gujarat national news Vijay Rupani