સુરતઃશતાવધાનમાં ૧૦૦/૧૦૦,સાધ્વીજીની યાદશક્તિની પરીક્ષામાં તમામ જવાબ સાચા

11 November, 2019 09:40 AM IST  |  Surat

સુરતઃશતાવધાનમાં ૧૦૦/૧૦૦,સાધ્વીજીની યાદશક્તિની પરીક્ષામાં તમામ જવાબ સાચા

સાધ્વીજી મહારાજ દેવાંશીતાશ્રી અને શિવાસીતાશ્રી

આપણે નાની-નાની બાબતો અથવા તો કોઈ વાત કદાચ પળવારમાં ભૂલી જતા હોઈએ છીએ, પરંતુ યોગસાધનાની મદદથી લાંબા સમય સુધી આ બધું યાદ રહેતું હોય છે. સુરતમાં જૈન ધર્મનાં બે સાધ્વીજી મહારાજ દ્વારા શતાવધાન યોજવામાં આવ્યું હતું. આમ જોવા જઈએ તો શતાવધાન એક પરીક્ષા છે‍ જેમાં સાધ્વી મહારાજને અગાઉ નક્કી થયેલાં ક્રમો અને નામો પૂછવામાં આવે છે. શતાવધાન સુરતમાં જૈન સાધ્વી દ્વારા પ્રથમ વખત પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. સાધ્વીજી મહારાજ દેવાંશીતાશ્રી અને શિવાસીતાશ્રી સાધ્વી મહારાજસાહેબે લોકો દ્વારા પૂછવામાં આવેલા તમે ક્રમો અને નામોના સચોટ જવાબ આપ્યા હતા.
આચાર્ય શ્રી સાગરચંદ્રસાગરસૂરીશ્વર મહારાજસાહેબની બે શિષ્યા સાધ્વીજી મહારાજ દેવાંશીતાશ્રી અને શિવાસીતાશ્રી સાધ્વીમહારાજસાહેબ દ્વારા યોગ અને સાધના થકી શતાવધાનને સિદ્ધ કરવામાં આવ્યું હતું, જેની એક પ્રકારની પરીક્ષા આજે યોજાઈ હતી.
દેવાંશીતાશ્રીજી સાધ્વી મહારાજસાહેબ અને શિવાસીતાશ્રીજી સાધ્વી મહારાજસાહેબે જણાવ્યું હતું કે આ એટલું અઘરું નથી; પરંતુ તમારે એના માટે એકાગ્રતા, ધ્યાન અને યોગ કરવાં પડે. અમને આ સિદ્ધિ હાંસલ કરતાં ચારથી પાંચ દિવસ લાગ્યા હતા. સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં આ સિદ્ધિ અમે હાંસલ કરી છે. શતાવધાન પ્રક્રિયા આજે બે હજાર જેટલા લોકોની વચ્ચે યોજાઈ હતી.
સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજસાહેબે જણાવ્યું હતું કે આ પ્રક્રિયા ખરેખર બાળકો માટે સારી હોવાને કારણે દરેક માતાપિતાએ બાળકને આ પ્રક્રિયા શીખવવી જોઈએ.

શું છે શતાવધાન?
ચક્રધ્યાન સાધનાની મદદથી જૈન સાધુ કે સાધ્વીને લોકો દ્વારા પ્રશ્નો પુછાય એનો પણ જવાબ આપવાનું લક્ષ્ય આપવામાં આવે છે. પ્રેક્ષકોમાંથી સંખ્યાબંધ પ્રશ્નો પુછાતા જશે અને જૈન સાધુ કે સાધ્વી એનો એક પછી એક જવાબ આપતા જશે. પ્રશ્ન શાસ્ત્રમાંથી કેટલીક લાઇનો સંભળાવવા, જૈન પંચ પ્રતિક્રમણ સૂત્રના શ્લોક, ગાણિતિક ગણતરીઓ, એક મિનિટમાં વિવિધ વિષયો પ્રદર્શિત કરવા સહિતના પ્રશ્નો પૂછવામાં આવે છે. શતાવધાનમાં એકસાથે ૧૦૦ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવાની પદ્ધતિ છે જેને વ્યક્તિ યાદશક્તિથી પુનઃ પ્રાપ્ત કરે છે એ પ્રશ્નોના સફળતાપૂર્વક જવાબ આપી શકે છે. શતાવધાન દસ જેટલા રાઉન્ડમાં યોજવામાં આવે છે. દરેક કૅટેગરીમાં ૧૦-૧૦ નામો હોય છે. કોઈ પણ એક વિષય પર દસ નામો આપવામાં આવે છે. આ પ્રકારે દસ રાઉન્ડ પૂર્ણ થાય એટલે શતાવધાન કરનારા ત્યાર બાદ તમામ નામો એકથી સો સુધી અને ત્યાર બાદ સોથી એક સુધી બોલી બતાવે છે. પછી હાજર રહેલા લોકો દ્વારા તેમને નંબર પ્રમાણે ઑબ્જેક્ટ વિષે પૂછવામાં આવે છે અને ત્યાર બાદ ઑબ્જેક્ટ પરથી નંબર કહેવાનો હોય છે. આ છે શતાવધાન.

surat gujarat