તક્ષશિલા અગ્નિકાંડ: વેપારીઓએ શાંતિયજ્ઞ કરી ભારે હૈયે દુકાનો ખોલી

26 June, 2019 10:32 AM IST  |  સુરત

તક્ષશિલા અગ્નિકાંડ: વેપારીઓએ શાંતિયજ્ઞ કરી ભારે હૈયે દુકાનો ખોલી

સુરત અગ્નિકાંડ

તક્ષશિલા કૉમ્પ્લેક્સમાં રવિવારે એડ્વોકેટ અને હૉસ્પિટલના સંચાલકે શાંતિયજ્ઞ કરી ભારે હૈયે ઑફિસ અને હૉસ્પિટલ ખોલવાનો પ્રારંભ કર્યો હતો. શાંતિયજ્ઞની સાથે બે મિનિટનું મૌન પાળી બાવીસ મરનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જોકે કૉમ્પ્લેક્સમાં હજી વીજ કનેક્શન અને પાણીની સપ્લાય ચાલુ કરાઈ નહીં હોવાથી દુકાનો રાબેતા મુજબ ધમધમતી થતાં સમય નીકળી જશે.

સોમવારે એક મહિનો પૂરો થયો છતાં તક્ષશિલા કૉમ્પ્લેક્સ પહેલાંની જેમ ધબકતું થયું નથી. ગોઝારી આગમાં દુકાન અને ઑફિસને નુકસાન પહોંચ્યું હોવાથી મોટા ભાગના દુકાનદારો રિપેરિંગ કરાવી રહ્યા છે. કૉમ્પ્લેક્સના બીજા હિસ્સાની દુકાનોમાં નુકસાન નહીંવત થયું હોવાથી આ દુકાનદારોએ બે-ત્રણ દિવસ પહેલાં દુકાન ખોલી નાખી હતી. જ્યારે જે હિસ્સામાં આગથી વધુ નુકસાન થયું અે તરફ આવેલી હૉસ્પિટલ અને એડવોકેટે રવિવારે શાંતિયજ્ઞ કરાવ્યો હતો. બ્રિજેશ પંડ્યા અને હૉસ્પિટલના સંચાલકે શાંતિયજ્ઞની સાથે બે મિનિટ મૌન પાળી ૨૨ મરનારને શ્રદ્ધાંજલિ આપી હતી. ઑફિસ અને હૉસ્પિટલમાં રિનોવેશન કરાવી પ્રારંભ કરવા પહેલાં મરનારના આત્માની શાંતિ માટે શાંતિહવન કરાવ્યો હતો. આ પ્રસંગે કૉમ્પ્લેક્સના અન્ય દુકાનદારો પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : રાજકોટ : કંપનીના નામથી નકલી મિનરલ વોટર બનાવતું કારખાનું ઝડપાયું

તક્ષશિલાની મોટા ભાગની દુકાનો એક મહિના પછી પણ બંધ છે. પોલીસ બંદોબસ્ત તો હટાવી લેવામાં આવ્યો છે, પરંતુ વીજ સપ્લાય ચાલુ ન કરી હોવાથી ઘણી દુકાનો હજી પણ બંધ છે. તક્ષશિલાની ગોઝારી ઘટનાને એક મહિનો થયો છે. આ ઘટના બાદ ડીજીવીસીએલે કૉમ્પ્લેક્સની વીજ સપ્લાય બંધ કરી દીધી હતી, જે એક મહિના પછી પણ પૂર્વવત કરાઈ નથી. પરંતુ તક્ષશિલાના કેટલાક દુકાનદારો વીજ સપ્લાય વગર દિવસે દુકાનો ખોલી રહ્યા છે. વીજ સપ્લાયની સાથે પાલિકાએ પાણીની સપ્લાય પણ બંધ કરી દીધી છે.

khoobsurat gujarat