મૉબ લિન્ચિંગ વિરોધ રૅલીની હિંસા મામલે છની ધરપકડ, ૩૨ સામે ગુનો નોંધાયો

07 July, 2019 10:47 AM IST  |  સુરત

મૉબ લિન્ચિંગ વિરોધ રૅલીની હિંસા મામલે છની ધરપકડ, ૩૨ સામે ગુનો નોંધાયો

મૉબ લિન્ચિંગ વિરોધ રૅલીની હિંસા મામલે છની ધરપકડ

સુરતમાં મૉબ લિન્ચિંગનો વિરોધ કરવા માટે શુક્રવારે એક રૅલી યોજાઈ હતી. જોકે રૅલીની શરૂઆત શાંતિપૂર્ણ રીતે થયા બાદ અચાનક ઘર્ષણ શરૂ થઈ ગયું. વિરોધ કરી રહેલા ટોળાએ ઉગ્ર વિરોધ કરતાં પોલીસે હળવા લાઠીચાર્જની શરૂઆત કરી ત્યારબાદ ભીડ દ્વારા પથ્થરમારો કરવામાં આવતા પોલીસને ટિયરગૅસના સેલ છોડવાની જરૂર પડી હતી. પોલીસે આ મામલે ૨ કૉર્પોરેટર સહિત ૩૨ જણ સામે ગુનો નોંધ્યો છે જ્યારે છ વ્યક્તિની ધરપકડ કરાઈ છે.
પોલીસે આ મામલે આઈપીસીની કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૩૭,૩૪૧,૩૩૨,૩૫૩,૧૨૦ બી, ૩૦૭ મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસે ડેમેજ ટુ પબ્લિક પ્રૉપર્ટીની કલમ ૩ મુજબ પણ ગુનો નોંધ્યો છે. આ રૅલીમાં થયેલી હિંસામાં અગાઉ છ વ્યક્તિની અટકાયત થઈ હતી જેમની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે હિંસાના ગુના સબબ ઇશ્તિયાક પઠાણ, સાહિલ સૈયદ, અસલમ સાઇકલવાલા, શબ્બીર ચાવાળા, મોહમ્મદ ઇકબાલ ફરામ, સાજીદ શાહની ધરપકડ કરી છે જ્યારે ૪-૫ હજારના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે.

સુરતમાં મૉબ લિન્ચિંગના વિરોધમાં કેટલાક લોકો દ્વારા મૌન રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રૅલી ચોકબજારથી થઈને ક્લેક્ટર ઑફિસ સુધી જવાની હતી, જોકે રૅલી વિવેકાનંદ સર્કલ પાસે પહોંચી ત્યારે પોલીસ દ્વારા રૅલીને અટકાવવામાં આવી હતી. જોકે આ દરમિયાન કેટલાક તોફાની શખસો ઉશ્કેરાઈ ગયા અને પોલીસ પર જ પથ્થરમારો શરૂ કરી દીધો. જવાબમાં પોલીસે પણ લાઠીચાર્જ કરવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચોઃ સુરતઃ રેલી દરમિયાન ઘર્ષણ થતા પોલીસ પર હુમલો, સિટીબસમાં કરી તોડફોડ

 તોફાની ટોળા દ્વારા એક બજારને બાનમાં લેવામાં આવી, જેમાં દુકાનોમાં તોડફોડ અને રસ્તા પર જતી સિટી બસના કાચ તોડવામાં આવ્યા હતા. જોકે પોલીસે ટિયરગૅસના સેલ છોડી ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

surat gujarat