સુરત: કોરોના વાઇરસ સુરતના હીરા ઉદ્યોગને બીમાર પાડશે

03 February, 2020 07:46 AM IST  |  Surat | Rashmin Shah

સુરત: કોરોના વાઇરસ સુરતના હીરા ઉદ્યોગને બીમાર પાડશે

કોરોના વાઇરસ

કોરોના વાઇરસથી અડધું જગત ધ્રૂજવા માંડ્યું છે, પણ આ વાઇરસને કારણે અત્યારે સૌથી મોટો ફફડાટ સુરતના હીરાઉદ્યોગમાં પ્રસરી ગયો છે. સુરતના પૉલિશ્ડ ડાયમન્ડની કુલ ખપતમાંથી ૩૭ ટકા ડિમાન્ડ હૉન્ગકૉન્ગની હોય છે, જ્યારે ૪ ટકા માગ ચાઇનાની રહે છે, જે હૉન્ગકૉન્ગથી જ ઑપરેટ થાય છે. કોરોના વાઇરસને કારણે આ બન્ને માગ પર સીધી અસર થઈ હોવાનું કહેતાં સુરત ડાયમન્ડ અસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અને જેમ્સ ઍન્ડ જ્વેલરી કાઉન્સિલના ગુજરાત રીજનના ચૅરમૅન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે ‘કોરોના વાઇરસને લીધે આ બિઝનેસ પર સીધી અસર થશે. જો કોરોના વાઇરસની આ જે ત્રાસદી છે એ વહેલી પૂરી નહીં થાય તો સુરતના હીરા ઉદ્યોગને બહુ મોટી નુકસાની ભોગવવાનો વારો આવશે.’

સુરતનો હીરા ઉદ્યોગ હૉન્ગકૉન્ગ અને ચીનમાં વર્ષેદહાડે ૪૦,૦૦૦થી ૪પ,૦૦૦ કરોડનો વેપાર કરે છે. આ વેપાર હાલપૂરતો તો બિલકુલ ઠપ થઈ ગયો છે. હૉન્ગકૉન્ગ ગવર્નમેન્ટે કોરોના વાઇરસને કારણે શનિવારે ૩ માર્ચ સુધી સ્કૂલમાં વેકેશન જાહેર કરી દેતાં હૉન્ગકૉન્ગમાં રહેલી ૪૦૦થી ૫૦૦ ડાયમન્ડની ઑફિસમાં રજા પડી ગઈ છે. જો ત્રાસદી વધુ ફેલાય તો હૉન્ગકૉન્ગથી નીકળવામાં તકલીફ પડે અને એવું ન થાય એ માટે મોટા ભાગની ડાયમન્ડ ઑફિસના માલિકો પોતાના સ્ટાફને પાછો બોલાવી લેવાની ગણતરી રાખે છે.

બીજી મોટી મૂંઝવણ જો કોઈ હોય તો એ હૉન્ગકૉન્ગમાં યોજાનારા ૪ માર્ચથી વર્લ્ડ ડાયમન્ડ ટ્રેડ-શોની છે. આ ટ્રેડ-શો ૮ માર્ચ સુધી ચાલવાનો છે. કોરોના વાઇરસને કારણે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં હૉન્ગકૉન્ગ કે પછી કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં આવવા યુરોપ અને અમેરિકા, ઑસ્ટ્રેલિયા જેવા કોરોનાથી અફેક્ટ ન થયા હોય એવા દેશો રાજી નહીં થાય. આ ટ્રેડ-શોમાં નવા બિઝનેસનું પ્લાનિંગ થતું હોય છે.

દિનેશ નાવડિયા કહે છે, ‘સુરતના હીરાના વેપારીઓ હૉન્ગકૉન્ગની ઑફિસ બંધ કરે એવી પૂરી શક્યતા છે અને સાથોસાથ કોરોનાને લીધે ટ્રેડ-શો પણ પાછળ લઈ જવામાં આવે એવું બની શકે. જો એવું થયું તો એની પણ સીધી અસર સુરતના હીરા ઉદ્યોગને થશે.’

આ પણ વાંચો : કચ્છની કોયલ ગીતા રબારીના ડાયરામાં થયો ડૉલરિયો વરસાદ

સુરતનો હીરા ઉદ્યોગ દર વર્ષે હૉન્ગકૉન્ગમાં થતા આ ટ્રેડ-શોમાં અંદાજે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના ઑર્ડર મેળવતું હોય છે. જો ટ્રેડ-શો પોસ્ટપૉન થયો તો બિઝનેસ પાછો ઠેલાશે અને જો રદ થયો તો હૉન્ગકૉન્ગ-ચાઇનાના નિયમિત બિઝનેસ સાથે સુરત ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીએ આ ઑર્ડર પણ ગુમાવવાનો વારો આવશે.

surat gujarat coronavirus Rashmin Shah