મૉબલિન્ચિંગની રૅલીમાં ઘર્ષણ મામલે વધુ 48 લોકોની ધરપકડ કરાઈ

11 July, 2019 08:18 AM IST  |  સુરત

મૉબલિન્ચિંગની રૅલીમાં ઘર્ષણ મામલે વધુ 48 લોકોની ધરપકડ કરાઈ

પ્રતીકાત્મક તસવીર

મૉબલિન્ચિંગના વિરોધમાં નીકળેલી રૅલીમાં તોફાન કરનારાં તત્ત્વોએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો. આ કેસમાં અગાઉ નવની ધરપકડ કર્યા બાદ અઠવા પોલીસે વધુ ૪૮ની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા. આ કેસમાં સીસીટીવી કૅમેરામાં ઓળખાયેલા મુખ્ય આરોપીઓ પકડાયા નથી ત્યારે રઘવાઈ બનેલી પોલીસે નિર્દોષોને પકડ્યા હોવાનો આક્ષેપ થતાં નવો વિવાદ શરૂ થયો છે.

મળતી વિગતો પ્રમાણે ગયા શુક્રવારે મુસ્લિમોએ વર્સેટાઇલ માઇનૉરિટીઝ ફોરમના નેજા હેઠળ મૉલિન્ચિંગના વિરોધમાં રૅલી કાઢી હતી. પરમિશન વિના ગેરકાયદે રૅલી કાઢવાના મુદ્દે રૅલીમાં હાજર કેટલાંક તત્ત્વોએ પોલીસ સાથે ઘર્ષણ પર ઊતરી માથાકૂટ કરી હતી અને બાદમાં કોઈકે કાંકરીચાળો કરતાં પોલીસ પર પથ્થરમારો કરવા સાથે સિટી બસ સહિતનાં વાહનોમાં તોડફોડ કરી ભારે તોફાન પણ મચાવાયું હતું.

આ ધમાલમાં ૧૦ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને ઈજા થઈ હતી. અઠવા પોલીસે પાંચ હજારના ટોળા સામે હત્યાની કોશિશ, રાયટિંગ અને સરકારી ફરજમાં રુકાવટ વિશેનો ગુનો નોંધ્યો હતો. પોલીસે આ કેસમાં કૉન્ગ્રેસના કૉર્પોરેટર, વકીલ સહિત નવની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા, જ્યારે બીજા તોફાનીઓને પકડવા પોલીસે સીસીટીવી કૅમેરાની મદદ લીધી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તોફાનીઓની શોધખોળ કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદમાં મોલ-મલ્ટીપ્લેક્સમાં હવે ફ્રી પાર્કિગ, હાઈકોર્ટનો આદેશ

દરમિયાન આજરોજ પોલીસે વધુ ૪૮ આરોપીઓની ધરપકડ કરી હતી અને તમામને કોર્ટમાં રજૂ કરી જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા. દરમિયાન આ કેસમાં હવે નવો વિવાદ શરૂ થયો છે. સીસીટીવી કૅમેરામાં ઓળખાયેલા અને પોલીસ ચોપડે નોંધાયેલા કૉર્પોરેટર-વકીલો સહિતના આરોપીઓને નહીં પકડી શકેલી પોલીસે ઉચ્ચ અધિકારીઓનું પ્રેશર આવતાં નિર્દોષોને પકડી સંતોષ માની રહી હોવાનો આક્ષેપ થયો છે.

surat Crime News gujarat