ટબૅકોમુક્ત અને કૅન્સરમુક્ત ગુજરાતની મૂવમેન્ટ શરૂ થશે

21 March, 2023 12:04 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

એપ્રિલ મહિનામાં અમદાવાદ, સુરત, વડોદરા સહિત ગુજરાતની આઠ મહાનગરપાલિકાઓમાં તેમ જ જિલ્લા કક્ષાએ રૅલી યોજવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ગુજરાતમાં ટબૅકોમુક્ત અને કૅન્સરમુક્ત ગુજરાતની મૂવમેન્ટ શરૂ થશે અને  અમદાવાદ, સુરત, વડોદરા સહિત ગુજરાતની આઠ મહાનગરપાલિકાઓમાં તેમ જ જિલ્લા કક્ષાએ રૅલી યોજીને જનજાગૃતિ ઊભી કરવામાં આવશે.

ટબૅકોમુકત ગુજરાત અભિયાનના ફાઉન્ડર પ્રમુખ રોહિત પટેલે ગઈ કાલે મીડિયાને માહિતી આપતાં કહ્યું હતું કે ‘કોરોના દરમ્યાન અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં અમે ટિફિન-સેવા કરી રહ્યા હતા ત્યારે કૅન્સરના ડિપાર્ટમેન્ટમાં દરદીઓ અને તેમનાં સગાંઓની સ્થિતિ જોઈ અને કૅન્સરનું વધતું જતું પ્રમાણ જોઈને વિચાર આવ્યો કે આપણે ત્યાં વ્યસન-મુક્તિના ઘણા કાર્યક્રમો થાય છે, પણ આપણે ટબૅકોને જ બંધ કરવું જોઈએ. એટલે ગુજરાતને કૅન્સરમુક્ત અને ટબૅકોમુક્ત કરવા માટે અમે ચળવળ ઉપાડી છે. આ મુદ્દે દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમ જ કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ અને મનસુખ માંડવિયાને આવેદનપત્ર મોકલ્યાં છે, જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી તેમ જ આરોગ્યપ્રધાન હૃષીકેશ પટેલને મળીને આવેદનપત્ર આપ્યું હતું. એપ્રિલ મહિનામાં અમદાવાદ, સુરત, વડોદરા સહિત ગુજરાતની આઠ મહાનગરપાલિકાઓમાં તેમ જ જિલ્લા કક્ષાએ રૅલી યોજવામાં આવશે. દર રવિવારે એક શહેરમાં રૅલી યોજાશે, જેમાં કૅન્સરના દરદીઓના પરિવારજનો, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમ જ જુદી-જુદી સંસ્થાઓના આગેવાનો અને સેવાભાવી લોકો જોડાશે. 

gujarat news cancer ahmedabad