મુશ્કેલ પરીક્ષા : એક તરફ માતાનું મૃત્યુ થયું અને બીજી તરફ એક્ઝામ

15 March, 2023 11:27 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

વડોદરાની ખુશી કાટકરે મનોબળ મક્કમ કરીને ૧૦મા ધોરણની બોર્ડની આપી એક્ઝામ, માતાનાં અંતિમ દર્શન કરીને ખુશી એક્ઝામ આપવા પહોંચી પરીક્ષા-કેન્દ્ર પર

ટૂ-વ્હીલરની પાછળની સીટ પર બેસેલી ખુશી કાટકર ૧૦મા ધોરણની એક્ઝામ આપવા માટે પરીક્ષા-કેન્દ્ર પહોંચી હતી.

અમદાવાદ : ગુજરાતમાં ૧૦ અને ૧૨મા ધોરણની બોર્ડની એક્ઝામ ગઈ કાલથી શરૂ થઈ છે ત્યારે વડોદરામાં એક એવી ઘટના બની જેમાં એક તરફ માતાનું મૃત્યુ થયું અને બીજી તરફ તેમની દીકરીની ૧૦માની એક્ઝામ શરૂ થવાની હતી. આવા અત્યંત દુખદ અને વિકટ સંજોગો વચ્ચે વડોદરાની ખુશી કાટકરે મનોબળ મક્કમ કરીને માતાના પાર્થિવ દેહનાં અંતિમ દર્શન કરી ૧૦મા ધોરણની બોર્ડની એક્ઝામ આપી હતી.

સ્વજનના મૃત્યુ પછી હિંમત હારી જતાં બાળકો માટે વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં દંતેશ્વર સરસ્વતી વિદ્યાલયમાં ૧૦મામાં અભ્યાસ કરતી ખુશી કાટકરનો કિસ્સો પ્રેરણારૂપ બની રહેશે. વડોદરામાં રહેતાં ભારતી કાટકરનું સોમવારે મધરાતે મૃત્યુ થયું હતું. બીજા દિવસે તેમની દીકરી ખુશીની ૧૦માની બોર્ડની એક્ઝામ હતી. એક તરફ વહાલસોયી માતાનું મૃત્યુ અને બીજી તરફ બોર્ડની એક્ઝામ શરૂ થતી હતી. માતાના મૃત્યુ બાદ આખી રાત ખુશીના મન પર શું વીત્યું હશે એ તો ખુશી જ સમજી શકે, પરંતુ આવા સમયે ખુશીએ મન પર અને લાગણીઓ પર કાબૂ રાખીને હિંમત એકઠી કરીને ભારે હૈયે નિર્ણય કર્યો કે તે બોર્ડની એક્ઝામ આપવા જશે. ગઈ કાલે માતાના પાર્થિવ દેહનાં અંતિમ દર્શન કરીને ખુશી બોર્ડની એક્ઝામ આપવા ગઈ હતી.

ખુશીનાં ફોઈ દીપિકા ઉત્તેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ખુશીને કહ્યું કે આવી સ્થિતિમાં તારી મેન્ટલી ક​ન્ડિશન કેવી છે, તું પેપર લખી શકીશ? ત્યારે તેણે કહ્યું કે ‘હું પરીક્ષા આપવા તૈયાર છું અને પેપર લખી શકીશ.’ તેની હિંમત જોઈને અમને લાગ્યું કે દીકરી ભણવામાં હોશિયાર છે અને તેનું વર્ષ ન બગડે એટલે અમે તેને પરીક્ષા આપવા જવા દીધી.’ 

ahmedabad 12th exam result shailesh nayak gujarat news central board of secondary education