ગુજરાત: હીટવેવથી બદલાયા સ્કૂલના ટાઇમિંગ

09 April, 2019 07:30 AM IST  |  ગુજરાત | રશ્મિન શાહ

ગુજરાત: હીટવેવથી બદલાયા સ્કૂલના ટાઇમિંગ

પ્રતીકાત્મક તસવીર

હીટવેવની અસર ઓસરવાને બદલે દિવસે-દિવસે વધતી જાય છે ત્યારે ગઈ કાલે રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગરમાં કલેક્ટરે નિર્ણય લીધો હતો કે બાળકો પર તાપની અસર વધારે ન પડે એ માટે સ્કૂલના ટાઇમિંગ ચેન્જ કરવા. આ નિર્ણયના આધારે સવારની શિફ્ટ જે સાડા સાતથી સાડા બાર વાગ્યાની હતી એનો ટાઇમ ઘટાડીને એક કલાક વહેલો એટલે કે સવારે સાડા અગિયાર વાગ્યે સ્કૂલ પૂરી કરી દેવાનો લેવામાં આવ્યો જ્યારે સ્કૂલની બપોરની શિફ્ટ માટે સંચાલકોને એવું સૂચન કરવામાં આવ્યું કે હીટવેવ વચ્ચે બપોરની શિફ્ટ રદ કરીને એ સ્ટુડન્ટસને સવારના સમયે જ બોલાવી લેવા. જે સ્કૂલ પાસે આ સુવિધા છે એમણે બપોરની સ્કૂલને સવારની શિફ્ટ કરવાનો નિર્ણય લઈ લીધો છે પણ જેની પાસે એવી કોઈ સુવિધા નથી એમણે આ બાબતમાં અડતાલીસ કલાકનો સમય માગ્યો છે. રાજકોટના કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ કહ્યું હતું, ‘બપોરની શિફ્ટ વધારે જોખમી છે એટલે જે સ્કૂલ પાસે હીટવેવથી સ્ટુડન્ટસને સુરક્ષિત રાખવાની સુવિધા હશે એને ચાલુ રાખવામાં આવશે અન્યથા અત્યારના સમયે જરૂર લાગશે તો વેકેશન પાડવાનું સૂચન પણ કરવામાં આવશે.’

હીટવેવ વચ્ચે પ્રાઇમરીની એક્ઝામ પણ સવારના સમયે લેવામાં આવે એવો આદેશ પણ કલેક્ટર દ્વારા આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : દ્વારકા : કોંગ્રેસના આ સીનિયર નેતાએ ચોકીદારને નીચ કહેતા રાજકારણ ગરમાયું

માવઠાંની સંભાવના

કાળઝાળ તાપને કારણે વાતાવરણમાં ચેન્જ આવ્યો છે અને ભેજનું પ્રમાણ વધ્યું છે, જેને ધ્યાનમાં રાખીને ગુજરાત હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતાં અડતાલીસથી બોંતેર કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે. જો માવઠું પડશે તો અત્યારે જે ઉકળાટ છે એમાં વધારો થશે અને તાપ પણ વધશે એવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

gujarat