કચ્છના ગામના સ્ટુડન્ટ્સને લાઉડ-સ્પીકર પર ભણાવતા ટીચરને ઘણી સલામ

17 May, 2020 07:27 AM IST  |  Rajkot | Rashmin Shah

કચ્છના ગામના સ્ટુડન્ટ્સને લાઉડ-સ્પીકર પર ભણાવતા ટીચરને ઘણી સલામ

પ્રતીકાત્મક તસવીર

કચ્છના ધોળાવીરા પાસે આવેલા ભચાઉ તાલુકાના જનાન ગામની ગ્રામપંચાયત સામાન્ય રીતે દરરોજ ૧૦ વાગ્યે ખૂલતી, પણ લૉકડાઉન પછી આ પંચાયત સવારે ૭ વાગ્યે ખૂલી જાય છે અને પંચાયતની ઑફિસમાં રહેલા માઇકના આધારે ગામમાં રહેતા છોકરાઓ કાન સરવા કરીને લાઉડ-સ્પીકર પર આવતા ટીચરના અવાજને ધ્યાનથી સાંભળીને પોતાનું ભણવાનું આરંભી દે છે. દેશઆખો અત્યારે જ્યારે લૉકડાઉન વચ્ચે ઑનલાઇન સ્ટડી કરે છે ત્યારે સંભવિત રીતે જનાન દેશનું એકમાત્ર ગામ હશે જ્યાં મોબાઇલને બદલે લાઉડ-સ્પીકર પર સૌકોઈને ભણાવવામાં આવે છે. આવું શું કામ કરવું પડ્યું એ જાણવા જેવું છે.

૧૦૩૪ લોકોની વસ્તી ધરાવતું જનાન ગામ પાકિસ્તાની સરહદથી નજીક હોવાથી ગામમાં નેટવર્કના ઇશ્યુ કાયમી છે. અમુક પ્રકારનાં બંધનોને લીધે આજે પણ ગામમાં નેટવર્ક વારંવાર બેન કરવામાં આવતું હોય છે જેને લીધે મોબાઇલ તો ઠીક, ટીવી પણ કામ નથી કરતાં. આવા સમયે શિક્ષણ મંત્રાલયે ઑનલાઇન એજ્યુકેશનનું સૂચન કરતાં ગામની એકમાત્ર સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને ઘનશ્યામભાઈ-ગુરુ તરીકે પૉપ્યુલર થયેલા ઘનશ્યામભાઈ મૂંઝવણમાં મુકાયા. નાનું ગામ, નેટવર્કના ધાંધિયા અને મોબાઇલની સુવિધા પણ સંયમિત. આવા સમયે બાળકોને ભણાવવાં કેમ એનો વિચાર કરતાં તેમને લાઉડ-સ્પીકરનો વિચાર આવ્યો.

ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કહે છે, ‘ઘનશ્યામભાઈએ મામલતદાર સાથે વાત કરી અને નક્કી કર્યું કે તેઓ ગ્રામપંચાયતની પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને બાળકોને ભણાવશે. આ ખરેખર એવું કામ છે જે કરવાની દાનત હોય તો જ થાય. જો ધાર્યું હોય તો ઘનશ્યામ લૉકડાઉનનો લાભ લઈ શક્યા હોત, પણ એવું કરવાને બદલે તેમણે લાઉડ-સ્પીકર પર સ્કૂલ શરૂ કરી દીધી.’

ઘનશ્યામભાઈ આગલા દિવસે બાળકોના ઘરે રૂબરૂ જઈને તેમને લેસન અને કયા પાઠ ભણાવવાના છે એની માહિતી આપી આવે અને પછી બીજા દિવસે એ બધાં બાળકોને માઇક પર ભણાવે. જનાનમાં લાગેલાં ૪૦ માઇક પર ઘનશ્યામભાઈનો અવાજ બાળકો સુધી પહોંચે અને બાળકો એ મુજબ અભ્યાસ કરે. જો બાળકોને તકલીફ પડે તો એ બાળક ફોન કરીને ઘનશ્યામભાઈને પૂછી શકે અને ધારો કે ફોનની સુવિધા ન હોય કે નેટવર્કના ઇશ્યુ હોય તો બીજા દિવસે માસ્તર ઘરે આવે ત્યારે પણ તે પોતાની મૂંઝવણ પૂછી શકે છે. જો આવડતું ન હોય કે સંપર્ક ન થઈ શકે તો લેસન નહીં કર્યું હોય તો પણ કોઈ વાંધો નહીં.

ઘનશ્યામભાઈ કહે છે, ‘લેસન મહત્ત્વનું નથી, આવા સમયે બાળકોને સમજણ આવે એ વધારે જરૂરી છે અને અમે એ જ કામ કરી રહ્યા છીએ.’

સવારે ૯ વાગ્યે શરૂ થતી આ લાઉડ લાઇન સ્કૂલમાં તમામેતમામ વિદ્યાર્થી હાજર રહે છે અને ટીચર ઘનશ્યામભાઈ ભણાવવામાં રવિવારની પણ રજા લેતા નથી. આ નિષ્ઠાથી મોટું લેસન બીજું કયું હોઈ શકે.

આ ખરેખર એવું કામ છે જે કરવાની દાનત હોય તો જ થાય. જો ધાર્યું હોય તો ઘનશ્યામ લૉકડાઉનનો લાભ લઈ શક્યા હોત, પણ એવું કરવાને બદલે તેમણે લાઉડ-સ્પીકર પર સ્કૂલ શરૂ કરી દીધી

- ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાતના શિક્ષણપ્રધાન

gujarat rajkot Rashmin Shah