ભારતનો સૌપ્રથમ સ્ટીલ રોડ ગુજરાતમાં

28 March, 2022 09:35 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

પાઇલટ પ્રોજેક્ટ રોડ એક કિલોમીટર લાંબો છે અને છ લેન છે

ગુજરાતના સુરતમાં હઝીરા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં સ્ટીલ વેસ્ટમાંથી રોડ તૈયાર કરવામાં આવ્યો

સમગ્ર દેશમાં જુદા-જુદા ઔદ્યોગિક એકમો દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવતો ૧.૯૦ કરોડ ટન સ્ટીલ વેસ્ટ સામાન્ય રીતે લૅન્ડફિલ્સમાં જાય છે. જોકે હવે એનો ઉપયોગ રોડ બનાવવા માટે કદાચ કરવામાં આવશે. જેથી ન ફક્ત વણવપરાયેલાં સંસાધનોનો ઉપયોગ કરી શકાશે સાથે જ વધુ ટકાઉ રસ્તાઓ પણ તૈયાર કરી શકાશે. એક સંશોધનના ભાગરૂપે આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના સુરતમાં હઝીરા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં સ્ટીલ વેસ્ટમાંથી રોડ તૈયાર કરવામાં આવ્યો છે જેને કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઇઆર) અને સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (સીઆરઆરઆઇ) દ્વારા સ્પૉન્સર કરવામાં આવ્યો છે.

પાઇલટ પ્રોજેક્ટ રોડ એક કિલોમીટર લાંબો છે અને છ લેન છે. સીએસઆરઆઇ અનુસાર રોડની જાડાઈ પણ ૩૦ ટકા ઘટી ગઈ છે. એમ મનાય છે કે આ નવી રીતથી ચોમાસાની સીઝન દરમ્યાન રોડને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય.

હઝીરા પોર્ટ ખાતે એક કિલોમીટર લાંબા આ રોડની આ પહેલાં ખરાબ દશા હતી, પરંતુ હવે રોજ ૧૮થી ૩૦ ટ્રક પસાર થતી હોવા છતાં રોડને કોઈ જ નુકસાન થયું નથી.

gujarat gujarat news surat