ગુજરાતમાં બીજેપીના એમએલએ અને એમપી ફ્રીમાં બતાવશે ‘ધ કેરલ સ્ટોરી’

10 May, 2023 12:08 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

જૂનાગઢના સંસદસભ્ય અને વિધાનસભ્ય ૧૧થી ૧૯ મે સુધી મહિલાઓને ફ્રીમાં ફિલ્મ બતાવશે, બારડોલીના વિધાનસભ્યએ પણ ત્રણ શોનું આયોજન કર્યું

ફાઇલ તસવીર

ગુજરાતમાં બીજેપીના કેટલાક વિધાનસભ્યો અને સંસદસભ્યોએ ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ મહિલાઓને ફ્રી બતાવવા માટે શોનું આયોજન કર્યું છે. જૂનાગઢમાં તો આ ફિલ્મ જોવા માટે મહિલાઓનો એવો રિસ્પૉન્સ મળ્યો કે ચાર શો પૅક થઈ ગયા છે.

જૂનાગઢના બીજેપીના વિધાનસભ્ય સંજય કોરડિયા અને સંસદસભ્ય રાજેશ ચુડાસમાએ ૧૧થી ૧૯ મે સુધી મહિલાઓને ફ્રીમાં ફિલ્મ બતાવવાની જાહેરાત કરી છે. આ દિવસો દરમ્યાન બપોરે ૧૨થી ૩ વાગ્યાના શોમાં જૂનાગઢની મહિલાઓને ‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મ ફ્રી બતાવાશે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં બારડોલીના બીજેપીના વિધાનસભ્ય ઈશ્વર પરમારે પણ આ ફિલ્મના ત્રણ શોનું આયોજન કર્યું છે. 

જૂનાગઢના બીજેપીના વિધાનસભ્ય સંજય કોરડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અમે ૯ શોનું આયોજન કર્યું છે. આ ફિલ્મ જોવા માટે  અત્યાર સુધી ચાર શો પૅક થઈ ગયા છે અને બાકીના શો અડધા પૅક થઈ ગયા છે જે હવે પછી ફુલ થઈ જશે. આ ફિલ્મ બતાવવા પાછળનો હેતુ એ છે કે જે લવ જેહાદના નામે, ધર્મના નામે દીકરીઓને છેતરીને જે રીતે શોષણ થઈ રહ્યું છે, આતંકવાદમાં ઉપયોગ થઈ રહ્યો છે એની સામે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો છે.’ 

બારડોલીના બીજેપીના વિધાનસભ્ય ઈશ્વર પરમારે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘આ મૂવી બતાવવા જેવું છે. પિક્ચરની સ્ટોરીથી બહેનોને વાકેફ કરવી જોઈએ. અત્યારે બારડોલીમાં ત્રણ શોનું આયોજન કર્યું છે. મારા ઉપરાંત બીજા પાંચ-સાત વિધાનસભ્યોએ પણ આ ફિલ્મના શોનું આયોજન કર્યું છે.’

national news the kerala story ahmedabad Gujarat BJP shailesh nayak