Covid-19: દેશમાં સૌથી ઓછા એક્ટિવ કેસમાં ગુજરાત બીજા નંબરે

28 October, 2020 08:11 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

Covid-19: દેશમાં સૌથી ઓછા એક્ટિવ કેસમાં ગુજરાત બીજા નંબરે

ફાઈલ ફોટો

ભારતમાં કોરોના વાયરસના કેસ 79 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો આંકડો 1.19 લાખને પાર થયો છે. એવામાં આજે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 980 નવા કોરોનાના કેસ નોંધાયા છે. દેશમાં સૌથી ઓછા કોવિડ-19 એક્ટિવ કેસમાં હરિયાણામાં સૌથી ઓછા 10452 એક્ટિવ કેસ છે, જ્યાર બાદ બીજો ક્રમ ગુજરાતનો (હાલ 13,354 એક્ટિવ કેસ) આવે છે.

ગુજરાતમાં આજે ફરી એકવાર કોરોનાના કેસમાં ઘટાડા નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 પૉઝિટિવના નવા 980 કેસ નોંધાયા છે, પરિણામે કુલ આંકડો 1,70,053 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 89.97 ટકા થયો છે. રાજ્યમાં કોરોના ટેસ્ટિગની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રોજના 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વસ્તીને ધ્યાને લેતા રોજ આશરે 815 ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 51,912 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 58,97,627 પર પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1107 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,52,995 પર પહોંચ્યો છે. તેમ જ 6 દર્દીઓના મોત (અમદાવાદમાં 2, ગાંધીનગર 2, સુરતમાં 1) થતા કુલ મૃત્યુઆંક 3,704 પર પહોંચ્યો છે. એક્ટિવ કેસ 13,354 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.

ગુજરાત રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં 227, અમદાવાદમાં 186, રાજકોટમાં 91, વડોદરામાં 113 અને જામનગરમાં 30 કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.97 પર પહોંચ્યો છે. આજે 1107 દર્દીઓ સાજા થતા રાજ્યમાં અત્યાર સુધીમાં સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,52,995 પર પહોંચ્યો છે.

gujarat coronavirus covid19