દૂધના કૅનમાં દારૂ: દારૂની બાટલીઓની ડિલિવરી કરતો દૂધવાળો પકડાયો

12 February, 2020 07:45 AM IST  |  Rajkot | Rashmin Shah

દૂધના કૅનમાં દારૂ: દારૂની બાટલીઓની ડિલિવરી કરતો દૂધવાળો પકડાયો

સુરેશ વિકમા

ગુજરાતમાં દારૂબંધી સામે લોકોએ કેવા-કેવા રસ્તા અપનાવ્યા છે એનો એક બેજોડ કિસ્સો રાજકોટમાં પકડાયો. માહિતીના આધારે રાજકોટ પોલીસે સુરેશ વિકમા નામના દૂધ વેચતા શખસને દારૂ વેચતાં પકડી પાડ્યો હતો. હોમ ડિલિવરી કરવા માટે જે પ્રકારે બાઇક પર બન્ને બાજુએ કૅન રાખીને દૂધ આપવા જવાતું હોય એ જ પ્રકારે સુરેશની બાઇકની બન્ને બાજુએ કૅન હતાં પણ એ કૅનમાં દૂધ નહીં, દારૂની બૉટલ રાખવામાં આવી હતી. સુરેશ વિકમાએ પોલીસ પાસે જેકંઈ કબૂલ્યું એ ખરેખર અચરજ પમાડે એવું હતું.

સુરેશ વિકમાએ રાજકોટ પોલીસને કહ્યું કે ‘મારું દૂધ વેચાતું ન હોવાથી મેં નાછૂટકે દારૂ વેચવાનું શરૂ કર્યું અને હું મારા નિયમિત કસ્ટમર્સને દારૂની હોમ ડિલિવરી કરતો હતો.’

સુરેશ વિકમાએ દારૂની ડિલિવરી-ડાયરી પણ રાખી હતી, જે દૂધની ડિલિવરી જેવી જ હોય છે. સુરેશ એમાં દારૂની એન્ટ્રી કરી લેતો. દેખીતી રીતે એવું જ લાગે જાણે એમાં કેટલાં લિટર દૂધ લેવામાં આવ્યું છે એ લખવામાં આવ્યું છે. સુરેશે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે ‘શરૂઆતમાં હું દૂધમાં દારૂની બૉટલ ડુબાડી દેતો, જેથી ચેકિંગ આવે તો ઉપરથી દૂધ જ લાગે, પણ ચેકિંગમાં મને કોઈએ રોક્યો નહીં એટલે કૉન્ફિડન્સ વધી જતાં મેં દૂધમાં દારૂની બૉટલ ડુબાડવાનું બંધ કર્યું.’

આ પણ વાંચો : સુરતનું પૅડ-કપલ: નૅચરલ ડાયમન્ડના પારખુ વેપારીએ બનાવ્યાં નૅચરલ સૅનિટરી પૅડ

સુરેશ વિકમા છેલ્લા એક વર્ષથી આ રીતે દૂધની આડમાં દારૂનો વેપાર કરતો હતો.

Rashmin Shah rajkot gujarat