રાજકોટ: પાણી ભરાવાને લીધે ડાયગ્નોસ્ટિક સેન્ટર બંધ કરવાની ફરજ પડી

05 August, 2019 08:37 AM IST  |  રાજકોટ

રાજકોટ: પાણી ભરાવાને લીધે ડાયગ્નોસ્ટિક સેન્ટર બંધ કરવાની ફરજ પડી

વરસાદ

રાજકોટની સિવિલ હૉસ્પિટલના નવા ઓપીડી બિલ્ડિંગના સેલરમાં ખાનગી ડાયગ્નોસ્ટિક સેન્ટરને જગ્યા આપવામાં આવી છે અને ત્યાં રાહતના દરે રિપોર્ટ કરવા માટે એમઓયુ કરવામાં આવ્યા છે. ૬ મહિના પહેલાં જ લૅબ કાર્યરત થઈ હતી. શુક્રવારે રાજકોટમાં ભારે વરસાદને પગલે લૅબમાં પાણી ભરાયાં હતાં એને કારણે લૅબનાં તમામ સાધનો ટેબલ પર ગોઠવવામાં આવ્યાં છે. લૅબમાં હજી પણ પાણી ભરાયેલાં છે. શૉર્ટ સર્કિટ થવાની બીકે ત્યાં પ્રવેશ અપાતો નથી તેમ જ રિપોર્ટ બંધ કરી દેવાયાનું દરદીઓને જણાવી દેવામાં આવ્યું છે. હૉસ્પિટલના કૅમ્પસમાં ૩૬ કલાક વીત્યા છતાં પાંચ ફુટ જેટલાં પાણી ભરાયેલાં છે છતાં તંત્ર હજી સુધી જાગ્યું નથી અને ત્યાંનો વીજપુરવઠો પણ બંધ કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો : બે દિવસ આણંદ, ભરૂચ, વલસાડ અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી

રાજકોટમાં વરસાદ પડ્યાને ૩૬ કલાકથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે છતાં રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં વરસાદનાં પાણી ઓસર્યાં નથી ત્યારે રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં આવેલ ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં પાણી ભરાઈ ચૂક્યાં છે એટલે એને બંધ કરવાની ફરજ પડી છે. બીજી તરફ ડાયગ્નોસ્ટિક સેન્ટરની બહાર મચ્છરના લારવા અને ગંદકી પણ જોવા મળી રહી છે ત્યારે રાજકોટ સિવિલ હૉસ્પિટલ જાણે સારવારનું ઘર નહીં, રોગનું ઘર હોય એવું જોવા મળી રહ્યું છે.

rajkot gujarat Gujarat Rains