રાજ્યમાં કમોસમી વરસાદે માઝા મૂકી, ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો

29 November, 2019 08:59 AM IST  |  Gandhinagar

રાજ્યમાં કમોસમી વરસાદે માઝા મૂકી, ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ

રાજ્યમાં મેઘરાજા ચાલુ વર્ષે જવાનું નામ જ લેતા નથી. જેના કારણે ઋતુચક્રમાં તેની અસરો જોવા મળી રહી છે. વહેલી સવારથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાતના ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડાસા, ભિલોડા સહિતના વિસ્તારોમાં કમોસમી ઝરમર વરસાદ શરૂ થયો છે જેના કારણે જગતના તાત ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. આ વિસ્તારોમાં મુખ્યત્વે ઘઉં અને મકાઈના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં ઋતુચક્રમાં ફેરફારને કારણે ખેતીના વિવિધ પાક પર સારી-નરસી અસરો જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિને કારણે આ ફેરફારની સૌથી મોટી માઠી અસર ઘઉંના પાક પર પડી છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં મગફળી, તમાકુ, જુવાર, બાજરી અને કપાસ જેવા પાકમાં જ લશ્કરી ઈયળ આવતી હતી. હવે ઘઉંના પાકમાં પણ આવી ઇયળો દેખાવવા માંડી છે.
ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા જગતનો તાત ચિંતિત બન્યો છે. અરવલ્લી-સાબરકાંઠાના વાતાવરણમાં પલટો આવતાં તેની અસર સમગ્ર ઉ. ગુજરાતમાં જોવા મળી રહી છે. આજે સવારે ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ સિવાય દહેગામ અને તલોદમાં વરસાદી છાંટા પડ્યા હતા, જેના કારણે રવિ પાકના વાવેતર પર અસર જોવા મળી રહી છે. વાતાવરણમાં પલટો થતાં ખેડૂતો ચિંતિત છે. આ વિસ્તારોમાં મુખ્યત્વે ઘઉં અને મકાઈના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.
ચાલુ વર્ષે ખાબકેલા ભારે વરસાદ અને ત્યાર બાદ કમોસમી વરસાદને લઈ જિલ્લાના ૧ લાખથી વધુ ખેડૂતોને ખરીફ પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જે બાદ ખેડૂતોએ ૮૭૭૨ હેકટરમાં ઘઉં, ૪૫૩૦ હેકટરમાં મકાઈ અને ૩૯૦૩ હેકટરમાં બટાટા સહિતના જુદા-જુદા પાકનું વાવેતર કર્યું છે. ગત વર્ષની સરખામણીમાં હજી વાવેતરનું પ્રમાણ ઓછું હોવાનું જણાઈ રહ્યું છે.

gujarat Gujarat Rains gandhinagar