વીમો ન લીધો હોય એવા ખેડૂતોને પણ ૩૩ ટકા નુકસાન હશે તો વળતરઃ ફળદુ

07 November, 2019 09:03 AM IST  |  Gandhinagar

વીમો ન લીધો હોય એવા ખેડૂતોને પણ ૩૩ ટકા નુકસાન હશે તો વળતરઃ ફળદુ

આર.સી.ફળદુ

મુખ્ય પ્રધાનના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગરમાં કૅબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં મહા વાવાઝોડું તથા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અને વળતર અંગે ચર્ચા થઈ હતી. બેઠક બાદ કૃષિપ્રધાન આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે ૧૦ દિવસમાં સર્વે અને ૧૫ દિવસમાં વળતર ચૂકવવામાં આવશે. જે વિસ્તારમાં ખેડૂતો વીમા યોજનામાં જોડાયા નથી, પણ ૩૩ ટકા નુકસાન થયું છે તેઓને વળતર આપવામાં આવશે.
કૃષિ પ્રધાને કહ્યું કે ચોમાસામાં ૧૪૪ ટકા વરસાદ થયો હતો, માવઠાને કારણે ખેડૂતોને મોટેપાયે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. વીમા કંપનીઓ સાથે બેઠક કરી ખેડૂતોને નુકસાન થયું છે તેનો સર્વે કરવાની કામગીરી ચાલી રહી છે. વીમા કંપનીના ફોન લાગતા ન હતા એટલે ખેડૂતો લેખિતમાં ફરિયાદ કરી શક્યા છે. ૧૦ દિવસમાં સર્વે કરી ૧૫ દિવસમાં વળતર ચૂકવવામાં આવશે. આ ઉપરાંત જે વિસ્તારમાં ખેડૂતો વીમા યોજનામાં જોડાયા નથી, પણ ૩૩ ટકા નુકસાન થયું છે, તે ખેડૂતોને પણ વળતર આપવામાં આવશે. કુલ ૧ લાખ ૯૨ હજાર હેક્ટર જમીનમાં કમોસમી વરસાદથી નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવ્યો છે. મગફળી સહિત ટેકાના ભાવે ખરીદી ૧૫ નવેમ્બરથી રાજ્યમાં શરૂ કરવામાં આવશે. રાજકોટમાં હાર્દિક પટેલે ગઈ કાલે કહ્યું હતું કે ૭ દિવસમાં ખેડૂતોને વળતર નહીં ચૂકવાય તો ૧૩ તારીખથી આમરણ આંદોલન કરશે. પડધરીમાં ઉપવાસ આંદોલન શરૂ કરાશે, ત્યારે હાર્દિક પટેલના આ નિવેદન ઉપર કૃષિપ્રધાન આર. સી. ફળદુએ કહ્યું હતું કે હાર્દિક એનું કામ કરે. રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે. બિલાડીના ટૉપની માફક નીકળી પડેલા નેતાઓ પર સરકારે ધ્યાન ન આપવાનું હોય.

gujarat Vijay Rupani Gujarat Rains