પોરબંદરમાં વર્ગ ૪ના કર્મચારીએ વસાવી લક્ઝુરિયસ કારો

09 November, 2019 08:24 AM IST  |  Porbandar | Shailesh Nayak

પોરબંદરમાં વર્ગ ૪ના કર્મચારીએ વસાવી લક્ઝુરિયસ કારો

પ્રતિકાત્મક તસવીર

પોરબંદરમાં વિદ્યુત બોર્ડના વર્ગ ૪ના કર્મચારી પાસેથી એસીબીને રૂપિયા ૧ કરોડ ૩ લાખથી વધુની અપ્રમાણસર મિલકત તપાસ દરમયાન મળી આવી છે એટલું જ નહીં, વર્ગ ૪ના કર્મચારી તરીકે કામ કરતા આ કર્મચારીએ આઉડી, ફૉર્ચ્યુનર, એન્ડેવર, ઇનોવા, મર્સિડીઝ કાર વસાવી હોવાની વિગતો તપાસમાં બહાર આવતાં ભરત ગરચર સામે એસીબીએ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં ઇલેક્ટ્રિક અસિસ્ટન્ટ તરીકે વર્ગ ચારના કર્મચારી તરીકે ફરજ બજાવતા અને વેરાવળમાં રહેતા ભરત ગરચરે ગેરકાયદેસરની રીતરસમોથી કરોડો રૂપિયાની જમીનો, મિલકતો, વૈભવી ગાડીઓ, સોનાનાં ઘરેણાં અને અન્ય સાધનો પોતાના તેમ જ પોતાના પરિવારના સભ્યોના નામે ખરીદ કરેલાં હોવાની વિગતો એસીબીને મળતાં જૂનાગઢ એસીબીના મદદનશ નિયામક બી. એલ. દેસાઈએ તપાસ હાથ ધરી હતી. પાંચ મહિનાની ઝીણવટભરી તપાસ બાદ ભરત ગરચરે તેમની કાયદેસરની આવકના સ્રોતમાંથી થયેલી આવકના પ્રમાણમાં ૧,૦૩,૨૨,૫૯૭ રૂપિયા જેટલી અપ્રમાણસર મિલકત વસાવેલી હોવાનું જણાઈ આવ્યું હતું. એસીબીના અધિકારીઓએ કરેલી તપાસ દરમ્યાન વર્ગ ચારના કર્મચારી ભરત ગરચરે મોંઘીદાટ લક્ઝુરિયસ કાર્સ જેમાં આઉડી, ફૉર્ચ્યુનર, એન્ડેવર, ઇનોવા તેમ જ મર્સિડીઝ પોતાના નામે વસાવી હોવાનું તેમ જ વેરાવળ અને જૂનાગઢ જિલ્લામાં સ્થાવર મિલકતો વસાવી હોવાનું જણાઈ આવ્યું હતું. નોટબંધી જાહેર કર્યાના સમય બાદ ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં ૫૬,૨૩,૨૦૦ રૂપિયા રોકડા બૅન્ક ખાતામાં જમા કરાવી અને વિવિધ ખર્ચ અને રોકાણો અંગેના વ્યવહારો કરેલા તપાસમાં જાહેર થયું છે. ભરત ગરચરે ૨૦૧૪થી ૨૦૧૯ સુધીના સમયગાળા દરમ્યાન પોતાની કાયદેસરની આવકના સ્રોતમાંથી થયેલા આવકના પ્રમાણમાં ૧,૦૩,૨૨,૫૯૭ રૂપિયાનું સ્થાવર–જંગમ મિલકતોમાં અપ્રમાણસર રોકાણ કરેલું હોવાનું પ્રસ્થાપિત થતાં ભરત ગરચર વિરુદ્ધ ગુનો દાખલ કરી આ કેસની તપાસ ગીર સોમનાથ એસીબી પોલીસ-સ્ટેશનને સોંપવામાં આવી છે.

gujarat porbandar