આ કાનુડાએ ગુજરાતને ઘેલું કર્યું

10 October, 2021 10:33 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

પિતાએ પોતાના આઠ-દસ મહિનાના દીકરાને ગાંધીનગર નજીક પેથાપુરની ગૌશાળા પાસે તરછોડી દીધું, પણ ગુજરાતમાં હજારો ‘યશોદામૈયા’ બાળકને દત્તક લેવા આગળ આવી : મળી આવેલો માસૂમ શિવાંશ કઈ માતાનો? પિતાએ જે બાળકને તરછોડ્યું એ તેની પત્નીનું ન હોવાનો ખુલાસો થયો

ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં જઈને બાળકના ખબરઅંતર પુછ્યા હતા

ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આવેલા પેથાપુર ગામની ગૌશાળાની બહારથી શુક્રવારે રાતે એક આઠ–દસ મહિનાનું માસૂમ બાળક મળી આવ્યું હતું. આ માસૂમને ખુદ તેના પિતાએ જ તરછોડી દીધું હતું. વહાલા લાગતા બાળકને ભલે તેના પિતાએ ગૌશાળા પાસે તરછોડી દીધું, પણ આ બાળકે તેના સ્મિતથી આખા ગુજરાતને ઘેલુ કર્યું હતું અને ગુજરાતમાં હજારો ‘યશોદામૈયા’ બાળકને દત્તક લેવા આગળ આવી હતી.

જોકે ચોંકાવનારી બાબત એ છે કે મળી આવેલો નાનકડો શિવાંશ કઈ માતાનો છે એ હજી સ્પષ્ટ થયું નથી, કેમ કે પિતાએ જે બાળકને તરછોડ્યું એ તેની પત્નીનું ન હોવાનો ખુલાસો થયો છે. ગુજરાત પોલીસે પુત્રને તરછોડીને જતા રહેલા પિતાને રાજસ્થાનના કોટાથી ઝડપી લીધો છે.

ગાંધીનગરમાં રહેતા સચિનકુમાર નંદકિશોર દીક્ષિતે શુક્રવારે રાત્રે કારમાં આવીને પેથાપુર પાસેની ગૌશાળા પાસે બાળકને તરછોડી દીધું હતું. રાતે બાળકને મચ્છર કરડતાં તે રડવા માંડ્યું હતું અને તેનો અવાજ સાંભળીને આસપાસના નાગરિકો અને ગૌશાળામાં રહેતા લોકો બહાર આવી ગયા હતા અને બાળકને ઉપાડીને પોલીસને એ વિશે જાણ કરતાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બાળકને ગાંધીનગર સિવિલ હૉસ્પિટલ લઈ ગયા હતા.

ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ બાળક વિશે વિગતો આપતાં પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘એક પિતા પોતાના બાળકને ગૌશાળાની બહાર તરછોડીને ભાગી છૂટ્યો હતો. બાળકના એક સ્મિતથી આખા દિવસનો થાક ઊતરી જાય એવા બાળકને તેના પિતા રાતે ૯.૨૦ વાગ્યે મૂકીને જતો રહ્યો હતો. જોકે ૧૦–૧૫ મિનિટમાં આ ઘટનાની પોલીસને માહિતી મળતાં જિલ્લા પોલીસની ટીમ, એલસીબી અને એસઓજીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાતે ૧૧.૩૦ વાગ્યાથી પોલીસ બાળકને માતા-પિતા સાથે ફરી સંગમ કરાવવા કાર્યરત બની હતી. પોલીસની જુદી-જુદી ૧૪ ટીમ બનાવી હતી અને માતા-પિતાને શોધવાનું કામ શરૂ કર્યું હતું. સીસીટીવી કૅમરા તેમ જ ટેક્નિકલ ઇન્વેસ્ટિગેશન કરીને બાળકને તેના પિતા જે કારમાં મૂકીને જતા રહ્યા હતા એ કારના રજિસ્ટ્રેશન-નંબર પરથી સરનામું મેળવી પોલીસ ગાંધીનગર સેક્ટર-૨૬માં આવેલા તેમના ઘર સુધી પહોંચી ગઈ હતી. જોકે સચિન દી​ક્ષિત વહેલી સવારે ઘર છોડીને રાજસ્થાન જતો રહ્યો હતો.’

હર્ષ સંઘવીએ આ બાળક વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ બાળકનું નામ શિવાંશ છે અને તેની ઉંમર ૮થી ૧૦ મહિનાની હોઈ શકે છે. પ્રાથમિક દૃષ્ટિએ તપાસ કરતાં આ બાળક સચિનની પત્નીનું નથી, જેથી આ બાળકની ઓળખ હાલ પૂરતી શંકાસ્પદ છે. સચિન આવશે એટલે પૂછપરછ કરીને બાળક વિશે માહિતી મળી શકે છે.’

આ માસૂમ બાળકના ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં વહાલસોયા બાળકને જોતતાં જ ગુજરાત જાણે ઘેલુ બન્યું હતું અને તેને દત્તક લેવા માટે કેટલાય પરિવાર આગળ આવ્યા હતા એ વિશે વાત કરતાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘૧૯૦થી વધુ પરિવારોના ફોન મારી ઑફિસે આવ્યા હતા અને આ બાળકને દત્તક લેવા માટે વિનંતી કરી છે. પોલીસ પરિવારના સભ્યો અને તેમના રિલેટિવ્સ તેમ જ અન્ય લોકોના પણ ફોન આવ્યા કે અમે આ બાળકને સાચવીશું. આ બાળકને ભલે તેનાં મા–બાપ છોડી ગયાં પણ હજારો પરિવાર બાળકને દત્તક લેવા આગળ આવ્યા છે. પોલીસ અધિકારીઓ અને જવાનોએ જે રીતે કાર્યવાહી કરી એ માટે તેમનો આભાર માનું છું.’

gujarat news ahmedabad shailesh nayak